અમદાવાદમાં આવતીકાલથી આગામી શુક્રવાર સુધી અમદાવાદનું તાપમાન ૪૩ ડિગ્રીને પાર જવાની સંભાવના છે. જેના પગલે આગામી પાંચ દિવસ આગ વરસાવતી ગરમી પડી શકે છે.
રાજકોટ ૪૨.૭ ડિગ્રી સાથે ગરમ રહ્યું, અમદાવાદનું તાપમાન બે દિવસમાં ચાર ડિગ્રી વધીને ૪૧.૬.
આજે અમદાવાદમાં ૪૧.૬ ડિગ્રી સાથે સરેરાશ મહતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૨.૨ ડિગ્રી નો વધારો થયો હતો. છેલ્લા બે દિવસમાં અમદાવાદનું તાપમાન ચાર ડિગ્રી જેટલું વધી ગયું છે. ગત રાત્રિના અમદાવાદમાં ૨૬ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેના પગલે રાતે પણ ગરમી અનુભવાઈ હતી.
આજે રાજકોટમાં ૪૨.૭ ડિગ્રી સાથે સૌથી વધુ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'આગામી પાંચ દિવસ તાપમાનમાં ૨-૩ ડિગ્રી નો વધારો થઈ શકે છે. ૧૫ થી ૧૭ એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના અનેક સ્થળોએ તાપમાન ૪૦ થી ૪૪ વચ્ચે રહેશે.
બુધવાર થી શુક્રવાર માટે બનાસકાંઠા-સાબરકાંઠા-રાજકોટ-કચ્છમાં યલો એલર્ટ જાહેર કરાઈ છે.
આ રાજ્યોને હિટવેવ ની હવામાન ખાતાએ આગાહી કરી.
ઉત્તર ભારતથી લઇને મહારાષ્ટ્ર સુધી આવનારા દિવસોમાં લૂ અને ભીષણ તાપમાનનો કેર વર્તાવાની હવામાન ખાતાએ ચેતવણી આપી છે. બિહાર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી-એનસીઆર, હરિયાણા, પંજાબ અને જમ્મુ કાશ્મીર માં તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે. જયારે મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠવાડા ક્ષેત્રોમાં પણ ભીષણ ગરમી અને સૂકો પવન જારી રહેશે. ખાસ કરીને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં લૂ ફુંકાવાની સંભાવના છે અને ત્યાં મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે.
જમ્મુ અને કાશ્મીર જેવા પર્વત વાળા રાજ્યમાં પણ તાપમાન સરેરાશથી ઊંચું રહેવાનું અનુમાન છે. કાશ્મીર ખીણમાં ઓછી બરફ વર્ષાને કારણે તાપમાનમાં અનપેક્ષિત વૃદ્ધિ જોવા મળી રહી છે. જે પહાડી વિસ્તારોમાં જળસંકટ અને બરફ પીગળવા ની ગતિ વધારી શકે છે.
હવામાન ખાતાએ એપ્રિલ ના ત્રીજા અઠવાડિયાથી મે મહિનાના પહેલા અઠવાડિયા સુધી ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં હિટવેવ ની સ્થિતિ સર્જાવાની ચેતવણી આપી છે. લોકોને બપોરે ૧૨ થી ચાર વાયા દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળવા, પાતળા અને ઢીલા કપડાં પહેરવા અને થોડી થોડી વારે પાણી પીતા રહેવાની હવામાન ખાતા તરફથી સલાહ અપાઇ છે.
દિલ્હીમાં પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચી શકે.
દિલ્હી અને એન સી આર માં ફરી એકવાર ભીષણ ગરમીનો પ્રકોપ પડવાનો છે. દિલ્હીમાં રવિવારે સવારે ૨૦.૨ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે સોમવારથી દિલ્હી અને એન સી આર માં તાપમાન ઊંચું જશે. કાલે મંગળવારે મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી નોંધાઈ શકે છે.
0 ટિપ્પણીઓ