ભારતીય હવામાન વિભાગે બે મોટી વેધર સિસ્ટમને લઈને એલર્ટ જારી કર્યું છે. મલક્કા સામુદ્રધુનીમાં સર્જાયેલું ચક્રવાત 'સેન્યાર' બુધવારે સવારે ઈન્ડોનેશિયાના ઉત્તર-પૂર્વીય કાંઠે ટકરાઈ ગયું. આ સમયે પવનની ગતિ કલાકના ૮૦ કિ.મી. હતી. જે ક્યારેક ક્યારેક કલાકના ૯૦ કિ.મી. સુધી પણ પહોંચી હતી.
હાલ આ ચક્રવાત ઈન્ડોનેશિયાના કુટા મકમુરથી ૮૦ કિ.મી. પૂર્વમાં છે. તેની અસર હેઠળ ઓડિશા, આંદામાન-નિકોબાર, તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને આંધ્રપ્રદેશમાં પહેલી ડિસેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગે ‘સેન્યાર'ના જોખમને ધ્યાનમાં રાખીને ઓડિશા સહિત ૬ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. તટીય ક્ષેત્રોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા સલાહ અપાઈ છે. એનડીઆરએફની ટીમો તહેનાત કરી દેવાઈ છે અને લોકોને શક્ય તમામ મદદ પહોંચાડવાની તૈયારીઓ કરાઈ રહી છે.
'સેન્યાર' ચકવાત હાલ નિકોબાર ટાપુઓથી ૫૮૦થી ૭૩૦ કિ.મી. દૂર અને મલેશિયાના જયોર્જ ટાઉનથી ૨૮૦ કિ.મી. પશ્ચિમે સ્થિત છે.
ચક્રવાત આજે ગુરુવારે સવાર સુધી પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ દિશામાં આગળ વધતું રહેશે અને પોતાની મજબૂતાઈ જાળવી રાખશે. ત્યાર બાદ તે દિશા બદલીને પૂર્વ તરફ વળશે અને ધીમે ધીમે નબળું પડવા લાગશે.
માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી!
હવામાન વિભાગે તમામ સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સતર્ક રહેવા અને જરૂરી વ્યવસ્થા કરવા કહ્યું છે. માછીમારોને થોડા દિવસ દરિયામાં નહીં જવાની ચેતવણી આપવામાં આવી છે. મલક્કા સામુદ્રધુની, દક્ષિણ આંદામાન સાગર, નિકોબાર ટાપુઓ આસપાસ, ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડમાં પણ કલાકના ૭૦થી ૯૦ કિ.મી. સુધીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
આજે ગુરુવારે સવાર સુધી પવનની ગતિ કલાકના ૫૦થી ૭૦ કિ.મી. અને શુક્રવારે સવારથી કલાકના ૪૦થી ૬૦ કિ.મી. રહેશે. ત્યાર બાદ ધીમે ધીમે ઘટવા લાગશે

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો