નેશનલ હાઈવે પર ટોલ-ટેક્સમાં મોદી સરકાર આપી શકે છે રાહત, નીતિન ગડકરી એ આપ્યો સંદેશ. 



મધ્યમ વર્ગને આવકવેરામાં ભારે રાહત આપવાના કેટલાક દિવસોમાં જ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે મોદી સરકાર હવે નેશનલ હાઈવે વપરાશકારોને ફાયદો પહોંચાડવા માટે એકસમાન ટોલનીતિ પર કામ કરી રહી છે. 


કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મિનિસ્ટર ગડકરીએ મીડિયાને જણાવ્યું હતું કે પ્રવાસીઓને ટૂંક સમયમાં જ રાહત મળશે. 

તેમણે જણાવ્યું હતું કે અમારી યોજના પરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જો કે ગડકરીએ એ બાબતની ચોખવટ કરી ન હતી કે ટોલ ટેક્સને ઘટાડવામાં આવશે કે પછી સમાપ્ત કરી દેવામાં આવશે.

 તેમણે જણાવ્યું હતું કે સરકાર નેશનલ હાઇવેવ્ઝ પર એક બેરિયર સહિત ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ આધારિત ટોલ સિસ્ટમ પર કામ કરી રહી છે. 


નીતિન ગડકરીએ ટોલ ખર્ચ સાથે જોડાયેલાં વિવિધ મિમ્સ પર પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે તેઓ જાણે છે કે સોશિયલ મીડિયા પર તેમના કાર્ટૂન અને મિમ્સ વાઈ રલ થઈ રહ્યા છે. લોકો ટોલને લઈને થોડા નારાજ છે. 

જો હું ફક્ત એટલું કહી શકું કે તેમનો ગુસ્સો કેટલાક દિવસોમાં ખતમ થઇ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર ૨૦૨૪ના રોજ લોકસભામાં ગડકરીએ જણાવ્યું હતું કે ૨૦૦૦થી અત્યાર સુધીમાં જાહેર-ખાનગી ભાગીદારી(પીપીપી) મોડલ હેઠળ સંચાલિત ટોલ પ્લાઝાઓ દ્વારા લગભગ ૧.૪૪ લાખ કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલવામાં આવ્યો હતો.


યમુનામાં પ્લેન ઊતરશેઃ નીતિન ગડકરી


નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે દિલ્હીમાંથી વહેતી યમુના નદીને સાફ કરવામાં આવશે અને તેને વિમાન લેન્ડિંગ સ્ટ્રીપમાં બદલવામાં આવશે. 

જ્યારે તેમને યમુનાના ભવિષ્ય અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતુ કે તેમની પાસે એક યોજના છે. તેમણે ઉમેર્યું હતું કે આ યોજનાનો અમલ ગુજરાતમાં થઇ ચૂક્યો છે. સાબરમતી નદીને લેન્ડિંગ સ્ટ્રીપ તરીકે ઉપયોગમાં લેવાય છે અને જણાવ્યું હતું કે યમુના માટે પણ આવી યોજના બનાવવામાં આવી રહી છે. દિલ્હીથી ૧૩ મિનિટમાં આગ્રા જઈ શકાશે.