ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં સરેરાશ ૨૪.૩૬ ઈંચ એટલે કે, ૬૮.૯૮ ટકા વરસાદ વરસી ગયો છે.
જેની સામે અમદાવાદ શહેરમાં વરસાદની મોટી ઘટ જોવા મળે છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં સરેરાશ ૧૭.૪ ઈંચ એટલે કે, પર ટકા વરસાદ થયો છે.
આમ રાજ્યમાં પડેલા કુલ વરસાદની સરખામણીએ અમદાવાદમાં સરેરાશ ૩૦ ટકા જેટલો ઓછો વરસાદ થયો છે.
અમદાવાદ જિલ્લામાં સરેરાશ ૧૨.૭ ઈંચ એટલે કે, ૪૬.૮૬ ટકા વરસાદ થયો છે. બીજી તરફ રાજ્યનાં ૪૭ તાલુકા એવા છે કે, જ્યાં ૪૦ ટકાથી પણ ઓછો વરસાદ થયો છે.
રાજ્યના વરસાદની સરેરાશ અને ઓછો વરસાદ ધરાવતાં તાલુકાની સ્થિતિ વચ્ચે ઘણો તફાવત છે.
બીજી તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં ૨૮ જેટલા એવા તાલુકા છે કે, જ્યાં ૧૦૦ ટકા કરતાં પણ વધુ વરસાદ ખાબકી ગયો છે.
આ વખતે સમગ્ર રાજ્યની ચિત્ર પર નજર કરવામાં આવે તો ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ કચ્છ ઝોનમાં ૮૬.૬૮ ટકા વરસાદ થયો છે.
એ સિવાય દક્ષિણ ગુજરાતમાં ૮૨.૨૪ ટકા અને સૌરાષ્ટ્રમાં ૭૮.૦૯ ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં હજુ ૫૦.૯૮ ટકા અને મધ્ય ગુજરાતમાં ૪૮.૯૭ ટકા જ વરસાદ થયો છે.
ટિપ્પણીઓ