દેશમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. લોકો અંગ દઝાડતી ગરમીથી ત્રાહિમામ્ પોકારી ગયા છે. ત્યારે હવામાન ખાતા દ્વારા લોકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. આ વર્ષે દેશમાં ચોમાસાનું વહેલું આગમન થવાનાં એંધાણ છે.
નૈઋત્યનું ચોમાસુ આ વર્ષે ૧૯મી મેથી આંદામાન નિકોબારમાં દસ્તક દઈ શકે છે. જે આગળ વધીને ૧ જૂનનાં રોજ તે કેરળનાં કાંઠે આવી પહોંચશે અને પછી દેશનાં અન્ય ભાગોમાં વિસ્તરશે.
સામાન્ય રીતે આંદામાન નિકોબારમાં ચોમાસુ ૨૨મી મે પછી શરૂ થતું હોય છે. પણ આ વર્ષે તે ૩ દિવસ વહેલું શરૂ થઈ શકે છે.
દેશમાં અલ નિનોની અસર નબળી પડી રહી છે. લા નિનાની અસર સક્રિય થઈ રહી છે જે સારા ચોમાસા ના એંધાણ પોકારે છે. દેશમાં આ વર્ષે સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે.
૧ જૂને તે કેરળમાં આવી શકે છે. ૧૦મી જૂને મહારાષ્ટ્રમાં અને ૧૫મી જૂન સુધીમાં ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારમાં પહોંચી શકે છે.
હવામાન ખાતાનાં મહાનિર્દેશક મૃત્યુંજય માહાપાત્રાનાં જણાવ્યા મુજબ દરિયાઈ વિસ્તારોમાં આગામી કેટલાક દિવસ તોફાની આંધી અને ધૂળની ડમરીઓ જોવા મળી શકે છે. ખાસ કરીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ તેમજ તાપમાન ઊંચું રહેતા વરસાદની સ્થિતિ સર્જાઈ છે.
ગુજરાત અને રાજસ્થાનમાં ધૂળની આંધી ફૂંકાઈ શકે છે.
આગામી કેટલાક દિવસ રાજસ્થાનમાં વધારે ગરમી પડી શકે છે. રાજસ્થાન અને ગુજરાતમાં ધૂળની આંધી ફૂંકાઈ શકે છે. દિલ્હી, પંજાબ, હરિયાણા અને યુપીમાં તાપમાન વધતા ગરમીનો પારો ઊંચો રહી શકે છે. બુધવારથી શનિવાર સુધી ઉત્તર ભારતનાં કેટલાક વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાઈ શકે છે. ગરમ પવન અને ભેજ વધવાથી ચક્રવાત ફૂંકાઈ શકે છે.
0 ટિપ્પણીઓ