રાજ્યમાં ફરી વાતવરણ પલટાના યોગ છે. હાલમાં ગુલાબી ઠંડીના માહોલ વચ્ચે આગામી તા.૨૫ અને ૨૬ના રોજ અમદાવાદ સહિત રાજ્યના અમુક વિસ્તારોમાં છૂટો છવાયો કમોસમી વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. રાજ્યના ૧૮ શહેરોમાં લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. સૌથી વધુ ઠંડી નલિયામાં ૧૩.૪ ડિગ્રી નોંધાઈ હતી.


હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે કે આગામી ૨૪ કલાક રાજ્યમાં વાતાવરણ સુક્કું રહેશે.પવનની દિશા ઉત્તર-પૂર્વની રહેશે.લઘુતમ તાપમાનમાં આગામી ૭દિવસ સુધી કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. તેમજ તા.૨૫ના રોજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં તથા દમણ, દાદરા નગર હવેલી,દાહોદ, પંચમહાલ, અમરેલી,ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર,રાજકોટમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તા.૨૬ના રોજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા તથા દમણ, દાદરા નગર હવેલી, અમદાવાદ, આણંદ, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મહેસાણા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં આજે વાદળો છવાયા હતા. ગુલાબી ઠંડીનો માહોલ યથાવત છે. મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાય છે. ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ આગામી દિવસોમાં વધતું જશે.