સામાન્ય માનવો માટે આ ખૂબ જ પોઝીટીવ શબ્દ છે. એવરેજ માણસો માટે. જો સારું થાય તો મેં કર્યું ને ઊંધું થાય તો “સાલું મારું નસીબ જ નથી !' ઘણીવાર ઓચિંતો લાભ થાય, તો “યાર લખાઈને આવ્યો છું ! નસીબદાર છું !' – પણ “નસીબ” એટલે શું ? આનો અર્થ પર્સનાલીટી ડૅવલપ કરવી હોય, તો સમજવો ખૂબ જ જરૂરી છે.

માણસ શરૂઆત કરે કે તે ક્યા ઘરમાં જન્મે છે ? કઈ સ્કૂલમાં ભણે છે ? કેવા મિત્રો છે ? કેટલા માર્કસ આવે છે ? બીજી પ્રવૃત્તિઓમાં કેવો દેખાવ છે ? જીવનસાથી કેવો મળે છે ? પૈસા કેટલા કમાય છે ? એના વળી બાળકો કેવા બને છે ? બસ સિલસિલો અટકવાનો નથી. આ બધી પ્રોસેસ દરમિયાન “નસીબ”, “લક” શબ્દ વારંવાર સાંભળવા મળે છે.

તમે કલ્પના કરી હોય પરીક્ષામાં ૮૫% માર્કસની અને આવે ૪૫% ! તમને થયું કે હું નાપાસ થઈશ ને આવે ૬૦%, પાસ ! તમને થાય મને કોણ પરણશે ? ને સારામાં સારું પાત્ર મળે. તમને થાય સાલું જીવનનું શું થશે ? પણ સરસ નોકરી મળી જાય કે ધંધો સેટ થઈ જાય. તમને થાય કે ગોવા – મુંબઈ – દિલ્હી બધું ક્યારે જોઈશ અને અમેરિકાનો પ્રવાસ થઈ જાય ! અથવા નક્કી કરો કે દુનિયા ફરવી છે,પણ અમદાવાદ પણ ન જવાય ! નક્કી કરો કે સરસ ધંધો સેટ કરું, પણ એક લાગ લાવવાના સંજોગો સેટ ન થાય... ! આ બધું શું ? નસીબ.... !

નવું જાણવા અહી ક્લિક કરો

તો છે શું નસીબ ? મિત્રો એ જ વાત... તમે ગઈકાલ સુધી જે જમા કર્યું છે તે. તમે જેવાં સારાં ખરાબ કામ કર્યા છે તેનું પરિણામ એટલે નસીબ. મિત્રો, તમારી આસપાસ બનતી ઘટનાઓ જોઈ, તમે રોજ આશ્ચર્યચકિત બની જશો. કશું જ નક્કી નહીં, છતાં તમે એને બદલી પણ નહીં શકો. પરંતુ એ નસીબ, પરિણામને સજાગતાથી, સમજણથી સ્વીકારવું એ સાચી સમજણ. એ આકસ્મિક નસીબવાળી ઘટનાઓનું આક્રમણ મન પર, દિલ પર ઓછું થાય, એ આપણા હાથમાં.


કોનો સાથ જીવનમાં સારો, શૂન્ય તમે પોતે જ વિચારો, મહેનત પાછળ બબ્બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેળી !

                                     – શૂન્ય પાલનપુરી 


અને આ નસીબ - શબ્દને સ્વીકારી, સખત મહેનત કરવી. જો જીવનનું આ રહસ્ય સમજાઈ જશે, તો તમે ભયમુક્ત બની જશો. તમે આવનાર આકસ્મિક દુઃખ કે તકલીફ સમયે ભાંગી નહીં પડો. આ ઘટના એ મારું જ નસીબ છે, તો દુઃખ શાનું, રિગ્રેટ્સ કેમ ? નસીબ ક્યારે, શું કરશે ? કંઈ જ નક્કી નથી, માટે તમામ અનિશ્ચિત ઘટનાઓ – ધરતીકંપ, આતંકવાદ, એક્સિડેન્ટ વગેરે તમને પણ નડી શકે છે અને પરિણામ અણધાર્યા આવી શકે છે. એને તદ્દન સહજતાથી સ્વીકારવા તૈયાર થઈ જાઓ. તો તમારું ભવિષ્ય ઉજ્જવળ છે. સખત મહેનત અને તમારી જાત ઉપરનો સખત આત્મવિશ્વાસ... ! બસ બાકીની જિંદગી ખુશખુશાલ થઈ જશે. આ નસીબ એટલે રામ ભગવાનને અચાનક વનવાસ, કૃષ્ણ ભગવાન એક સામાન્ય ભીલના તીરથી મરી જાય, મહમંદ સાહેબને યુદ્ધો કરવા પડે, જીસસને ખીલા સહન કરવાં પડે, મીરાંને ઝેર પીવું પડે, મહાવીર સ્વામીને કાનમાં ખેંગારા, ગાંધીજીને ગોળી, અમાહમ લિંકનને ગોળી... તો હું ને તમે કોણ ? બસ સમજી જાવ.

નોંધ - અમે આ પાઠ સંજય ભાઈ ના પુસ્તક માંથી લેવામાં આવ્યો છે, અમારો ઉદેશ ફક્ત ને ફકત સારા વિસરો અને ચાચું જ્ઞાન પ્રાપ્ત થાય, આ પોસ્ટ થી કોઈ પણ જાત થી ભૂલ થાય હોઈ તો અમે દિલ થી માફી માગીએ છીએ 🙏