ભારતીય હવામાન વિભાગે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ૧૩ અને ૧૪ ફેબ્રુઆરીએ વરસાદની ભવિષ્યવાણી કરી છે. પરંતુ તેના આગળના દિવસે ૧૨ ફેબ્રુઆરીએ તડકો નીકળવાની આગાહી કરી છે. જેનાથી પારો ઊંચો જશ અને તાપમાનમાં વધારો થશે. આના પરિણામે હવામાનમાં વારેવારે પલટા જોવા મળશે. પહેલાં, એટલે કે ૧૧ ફેબ્રુઆરીએ ઠંડી હવાના સપાટા, બાદમાં તડકો, અને ત્યાર બાદ બે દિવસ વરસાદ. IMDએ જણાવ્યું કે વેલેન્ટાઇન ડેએ દિલ્હીમાં હળવો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, ૧૫ ફેબ્રુઆરીએ આકરો તડકો હોઈ શકે છે. જોકે, સવારે અને સાંજે ધુમ્મસ છવાવાની શક્યતા પણ વ્યકત કરી છે. કાશ્મીરના લોકોને શીતલહેરમાંથી થોડી રાહત મળી છે. શનિવારે ખીણમાં લઘુતમ તાપમાન ઠારબિંદુથી નીચે નોંધાયું હતું. અધિકારીઓએ માહિતી આપી કે ઉત્તરી કાશ્મીરમાં ગુલમર્ગ સ્કિઇંગ રિસોર્ટમાં તાપમાન શૂન્યથી નીચે સાત ડિગ્રી, પહલગામમાં માઇનસ ૮.૬, કોકેરનાગમાં માઇનસ ૩.૭ ડિગ્રી, જ્યારે કાઝીગુંડમાં માઇનસ ૫.૮ ડિગ્રી નોંધાયું હતું. જમ્મુ- કાશ્મીરની ગ્રીષ્મકાલીન રાજધાની શ્રીનગરમાં તાપમાન શૂન્યથી નીચે ૪.૯ ડિગ્રી નોંધવામાં આવ્યું હતું.
0 ટિપ્પણીઓ