શનિવાર ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં અત્યારસુધી વરસાદનું જોર ઘટેલું જોવા મળ્યું છે. ઓગસ્ટના ૧૨ દિવસમાં ગુજરાતમાં સરેરાશ માત્ર અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી પાંચ દિવસ માત્ર હળવા વરસાદની જ સંભાવના છે.
ગુજરાતમાં આ વર્ષે જૂનમાં ૯.૫૬ ઈંચ, જુલાઇમાં ૧૭.૬૬ ઈંચ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં અત્યારસુધી સરેરાશ ૨૭.૭૬ ઈંચ સાથે સિઝનનો ૮૦.૪૫ ટકા વરસાદ નોંધાયો છે. ૪૬ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ, ૧૧૦ તાલુકામાં ૨૦થી ૪૦ ઈંચ, ૯૦ તાલુકામાં ૧૦થી ૨૦ ઈંચ જ્યારે પાંચ તાલુકામાં ૫ થી ૧૦ ઈંચ વરસાદ વરસ્યો છે. પાંચ ઈંચથી ઓછો વરસાદ પડ્યો હોય તેવો એકપણ તાલુકો નથી.
જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ ૭૮ ઈંચ, નવસારીમાં ૬૩.૨૨ ઈંચ, ડાંગમાં ૫૨.૨૪ ઈંચ સાથે સૌથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. તાલુકા પ્રમાણે વલસાડના કપરાડામાં સૌથી વધુ ૧૦૦ ઈંચ, નવસારીના ખેરગામમાં ૮૩ ઈંચ સાથે સૌથી વધુ વરસાદનો સમાવેશ થાય છે. ગુજરાતમાં ગત વર્ષે ઓગસ્ટ સુધી ૨૭.૩૨ ઈંચ સાથે સિઝનનો ૮૧ ટકા વરસાદ પડ્યો હતો. જોકે, ગત વર્ષે ઓગસ્ટના ૧૨ દિવસમાં સરેરાશ ૩.૮૬ ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો હતો.
0 ટિપ્પણીઓ