રાજ્યમાં મે મહિનાની કાળાઝાળ ગરમીનો પ્રારંભ થઈ ચુક્યો છે. ચામડી દઝાડતી લૂ ફૂંકાતા બપોરના સમયે રસ્તાઓ પણ સૂમસામ બની રહ્યાં છે ત્યારે બીજી તરફ હવામાન ખાતા દ્વારા વરસાદી માહોલના સંકેત અપાયા છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગામી તા.૧૧મી મેથી ત્રણ દિવસ દરમિયાન કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.  બીજી તરફ આજે બે શહેરમાં તાપમાનનો પારો ૪૩ ડિગ્રીએ નોંધાયો હતો. અમદાવાદમાં ૪૩ અને સુરેન્દ્રનગરમાં ૪૩.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. હવામાન ખાતા દ્વારા અમદાવાદ શહેરના તાપમાન અંગેની આગામી દિવસની પ્રસિદ્ધ કરેલ આગાહી મુજબ ગરમી ઘટવાની કોઈ શક્યતાઓ જણાતી નથી.


હવામાન ખાતા દ્વારા જાહેર કરેલ વિગતો મુજબ બુધવારના રોજ સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ૪૩.૧ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. એ સિવાય અમદાવાદમાં ૪૩ ડિગ્રી, ગાંધીનગરમાં ૪૨.૭ ડિગ્રી, રાજકોટમાં ૪૨.૪, અમરેલીમાં ૪૨, ભુજમાં ૪૧.૭, વડોદરામાં ૪૧.૨, કંડલા એરપોર્ટમાં ૪૧.૩ અને વિ.વિ.નગરમાં ૪૧.૧ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. આમ ૪૧થી ૪૩ ટિગ્રી તાપમાન સાથે ૧૧મી મેથી ત્રણ દિવસ ક્રમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જેમાં પ્રથમ દિવસે તા.૧૧મી મેના રોજ ડાંગમાં અને ૧૨-૧૩ મેના રોજ છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.