સંત કબીરે કહ્યું છે કે, ‘નર નારાયણ રૂપ હૈ, મત સમજો સી યા કો દેહ, સમજ શકો તો સમજ લો, અલક પાલક મેં ખેહ’ તેમનું કહેવું છે કે આપણે સૌ નર સ્વરૂપે નારાયણનું રૂપ છીએ. ધ્યાન દ્વારા અંદર બેઠેલા આત્માનો પરમાત્મા સાથે મિલાપ કરાવી તેની અનુભૂતિ કરી લો, સમજ કેળવી લો. તેમાં વિલંબ ન કરો, કારણ કે આ દેહ ક્ષણભંગુર છે. આંખના પલકારામાં મૃત્યુ થતાં ખેહ-રાખ બની જઈ શકે છે. આ જ બાબત આત્માની અનુભૂતિના સંદર્ભમાં બીજી રીતે અન્યત્ર કહેવાઈ છે તે જોઈએ.

આપણને દુનિયાની બધી જ સંપત્તિ મળી જાય, મહાસત્તા ભોગવવાનો અવસર મળી જાય, દુનિયાના બધા જ ભોગ વિલાસ મળી જાય, પરંતુ આત્માની અનુભૂતિ ન થાય તો જીવન વ્યર્થ છે. આમ, આત્માની અનુભૂતિને જીવનમાં ઊંચામાં ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. આત્મા એટલે આપણી અંદર બેઠેલી મહાસત્તા, જે વૈશ્વિક સત્તા સાથે સીધો સંપર્ક ધરાવે છે. જોકે, આવો સંપર્ક માત્ર ધ્યાનના માધ્યમથી જ શક્ય બને છે. આત્માની અનુભૂતિ કરોડો વ્યક્તિઓમાં માત્ર એક વ્યક્તિને જ થાય છે, તેની પણ શસ્ત્રોએ નોંધ લીધી છે. તેનો અર્થ એવો થાય કે ધ્યાનના સાતત્ય દ્વારા પરમાત્મા સાથે સતત જોડાયેલા રહેવાનું કરોડોમાં થોડા લોકોને જ પસંદ પડે, તેથી ઘણી ઓછી વ્યક્તિઓ આત્માની અનુભૂતિની પાત્રતા ધરાવે છે, તેવું શસ્ત્રોનું તારણ છે.

હિમાલયની તળેટીમાં મોજ માણવાનું તો બધાને જ ગમે, પરંતુ , પરંતુ દિવસોના દિવસ હડકંપ ઠંડીમાં અથાગ મહેનત કરી એવરેસ્ટની ટોચ સુધી પહોંચવાનું માન તો શેરપા તેનસિંગ જેવો યુવાન જ મેળવી શકે.


ઊંડા ધ્યાનમાં ગયા પછી તેમાંથી બહાર આવવાનું ગમતું નથી તે હકીકત છે, પરંતુ ઊંડા ધ્યાનમાંથી બહાર આવવાનું ગમે જ નહીં તો વધુ ને વધુ તેમાં ઊંડા ઊતરેલા રહેવાનું ગમે અને તેમ થતાં આત્માની અનુભૂતિની દિશા તરફની દોટ અટકવાનું નામ જ ન લે. પરિણામે આત્માની અનુભૂતિ તો । તો સહજ બની જાય, પરંતુ આપણે ધ્યાનને બહુ જ ઓછું મહત્ત્વ આપ્યું છે.


આપણામાં બેઠેલા આત્માને પણ તેની હાજરીની નોંધ લેવાય અને તેનું બહુમાન થાય તે તેને અવશ્ય ગમે, પરંતુ આપણે બધાએ તો તેને બિચારો અને બાપડો બનાવી કામ, ક્રોધ, મદ, લોભ અને મત્સરની અંધારી કોટડીમાં પૂરી દીધો છે. તેને બહાર કાઢવાની આપણી પવિત્ર ફરજ છે કે જેથી આપણામાંથી કોઈ રમણ મહર્ષિ કે વિવેકાનંદ પાકે.


એક સફળ માનવી તરીકે જીવવા માટે આપણા માટે અને આપણી ભાવિ પેઢી માટે ધ્યાનરૂપી પારસમણિ આપણે ઉપયોગમાં લઈ નથી શકતા. તે જોતાં તો આપણી આ નબળાઈ માટે સિદ્ધોની નગરીમાં વસતા સિદ્ધોને આપણી દયા અવશ્ય આવતી હશે.ધ્યાનથી આપણામાં દિવ્ય ગુણોનો વિકાસ થાય છે.


તેની આપણે વિસ્તૃત ચર્ચા કરી છે. ધ્યાનમાં પ્રવેશ કરી આપણે આત્મસ્થ થતા આત્મા સાથે જોડાયેલ આત્મબળ, આત્મવિશ્વાસ, આત્મશ્રદ્ધા, આત્મસંયમ, આત્મપ્રેમ, આત્મશાંતિ, સ્વયં શિસ્ત જેવા દિવ્ય ગુણોનો વિકાસ થાય છે. જે આપણામાં પ્રાણ પૂરી શકે છે, પરંતુ આપણે તેમને પણ તક નથી આપતા. તે આપણી નબળાઈ જ નહિ આપણી પોતાની, સ્વની, આત્માની અવહેલના છે.


આપણે આપણી જ જાતને, સ્વને, આપણા આત્માને પાંગળો બનાવી દીધો છે. ત્યારે સહજ રીતે ખલીલ જિબ્રાનનું સૂચન અવશ્ય યાદ આવે. તેમણે કહ્યું છે કે, જોવી હોય જો ખીણો, ગિરિ શિખર જઈ ચઢો; ગિરિ શિખર જોવા મન ચહે, તો વાદળ પે સવારી કરો; યદિ વાદળને પામવા મન ચહે, તો ‘મીંચો નયન, ને કરો મનન’ અહીં ખલીલ જિબ્રાને ‘મીંચો નયન અને કરો મનન’ તેમ કહી આપણને ધ્યાન તરફ ઈશારો કરી રહ્યા છે. ઊંડા ધ્યાન અવસ્થામાં આવતી ‘Beyond space and time’ ની અવસ્થા તે તરફ નિર્દેશ કર્યો છે, કારણ કે ‘બંધ નયને મનન’ એ ધ્યાનની નજીકની અવસ્થા છે.


તેઓ ખીણો જોવાની જાગ્રત મનની અવસ્થાથી શરૂ કરી આપણને ‘બંધ આંખે મનન’ સુધી લઈ જઈ મનની અર્ધજાગ્રત અવસ્થા સુધી લઈ જાય છે, પણ આ બાબત સતત જાગૃતિ ધરાવતા વ્યક્તિ માટે કરેલ સૂચન છે. આપણે મહદ્અંશે આધ્યાત્મિક રીતે અજાગ્રત અવસ્થામાં જીવીએ છીએ. ધ્યાન માટે થોડું પણ આકર્ષણ વધારીએ તો આપણી પરિસ્થિતિમાં બદલાવ અવશ્ય લાવી શકીએ. થોડીક જાગરૂતા આપણને ખીણમાંથી વાદળોથી ઉપર ઊંચે આકાશમાં ઉડાન અવશ્ય કરાવી શકે. સંત કબીરે કહ્યું છે કે, ‘મન કે બહુત રંગ હૈ, છિન છિન બદલે સોય; એક રંગ મેં જો રહે, ઐસા બિરલા કોય. કામ, ક્રોધ, મદ, લોભ અને મત્સરના વિવિધ રંગોમાં રંગાયેલા રહેવાનું મનને ગમે છે. જુદા જુદા વિષયો પર છલાંગો મારવાની મનને ફાવટ છે, પરંતુ જાગરૂકતા મેળવી લગામની પકડ મજબૂત રાખીએ તો તેને એક અવસ્થામાં સ્થિર અવશ્ય રાખી શકીએ. આ અવસ્થા તે જ નિર્વિચાર અવસ્થા. જેનું સાતત્ય આપણને આત્માની અનુભૂતિ તરફ અવશ્ય દોરી જાય છે, તેથી જ ઓશોએ ‘ધ્યાન છે તો બધું છે’ તેમ કહ્યું હોવાનું જણાય છે.