હજી હમણાં આપણે 'ટેકનોવમાં કાગળ પર કે ઇમેજમાં છપાયેલા શબ્દોના આકાર ઓળખીને તેને એડિટ કરી શકાય તેવી ટેકસ્ટમાં ફેરવી આપતી ઓપ્ટિકલ કેરેકટર રેકગ્નેશન (ઓસીઆર) ટેકનોલોજી વિશે વિગતવાર વાત કરી હતી.

ત્યારે થોડી અછડતી વાત કરી હતી કે આ ટેકનોલોજી હવે વધુ વિસ્તરી રહી છે અને હાથે લખાયેલા અક્ષરોને પણ એડિટ કરી શકાય તેવી ટેકસ્ટમાં ફેરવવામાં સફળતા મળી રહી છે. સામાન્ય રીતે કોઈ ઈમેજ કે પીડીએફ ડોક્યુમેન્ટમાં પ્રિન્ટ થયેલી ટેકસ્ટ હોય તો તેને પારખવાનું કામ ઓસીઆર ટૂલ માટે સહેલું હોય છે. પરંતુ હાથેથી લખાયેલી ટેકસ્ટ પારખવાનું ઘણું મુશ્કેલ હોય છે.



તેનાં દેખીતાં કારણો છે. દરેક વ્યક્તિના અક્ષરો જુદા જુદા હોય, કોઈ એકદમ મરોડદાર અક્ષરે લખી શકે તો કોઈના અક્ષર ગાંધીજી (કે પછી ડોકટર!) જેવા હોય. જે માણસ પણ ન ઉકેલી શકે તેને મશીન કેમ સમજી શકે? હાથેથી લખાયેલું લખાણ ક્યારેક બહુ જૂનું પણ હોય. કાગળની ગુણવત્તા, ઇન્ક વગેરે પણ મુશ્કેલી વધારી શકે.


હવે આ બધાના ઉપાય આપતાં ટૂલ્સ વિકસી રહ્યા છે. આવાં ટૂલ હેન્ડરાઈટિંગ ટુ ટેક્સટ (એચટીઆર) સોફ્ટવેર તરીકે ઓળખાય છે. ઓસીઆરથી આગળ વધીને એચટીઆર ટૂલ્સ જુદા જુદા અક્ષરોના મરોડ ઓળખી શકે છે. ચોક્કસ હેતુ સાથે લખાયેલા લખાણ કે તેમાં થયેલી છેકછાકને પારખી શકે છે અને જૂના કે ડેમેજ થયેલા કાગળ પરના લખાણને પણ સારી રીતે સમજી શકે છે. તમારી પાસે હાથે લખાયેલા સંખ્યાબંધ કાગળિયાં હોય અને તમે તેને એડિટેબલ ટેકસ્ટમાં ફેરવવા માગતા હો તો 'ટ્રાન્સ્ક્રિબસ’ (https://www.transkribus.org/) નામના એક ટૂલનો લાભ લઈ શકો છો.


અત્યારે આ ટૂલ ઇંગ્લિશ ઉપરાંત વિવિધ યુરોપિયન લેંગ્વેજમાં લખાયેલા લખાણને એડિટેબલ ટેક્સ્ટમાં ફેરવી શકે છે. દેખીતું છે કે આ ટૂલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત છે. આમ તો આ એક પેઈડ સર્વિસ છે પરંતુ વ્યક્તિગત ઉપયોગ માટે આપણે દર મહિને હાથેથી લખાયેલાં ૧૦૦ પેજને સ્કેન કરીને તેને મફતમાં એડિટેબલ ટેકસ્ટમાં ફેરવી શકીએ છીએ.

માઇક્રોસોફ્ટ વનનોટમાં


પણ આ સગવડ છે


જો તમે નોટ કીપિંગ માટે માઇક્રોસોફ્ટની વનનોટ નામની સર્વિસનો ઉપયોગ કરતા હો તો તમે જાણતા હશો કે તેમાં કોઈ પેજમાં ટેક્સ્ટ, ઓડિયો, વીડિયો, ઈમેજ વગેરે અનેક ફોર્મેટમાં નોટ્સ ઉમેરી શકાય છે. તેમાં ઇમેજમાંથી ટેક્સ્ટ તારવી આપતી ઓસીઆર સર્વિસ પણ છે. તમે કદાચ એ નહીં જાણતા હો કે તેમાં એચટીઆર સર્વિસની સગવડ પણ છે.


એટલે કે આ સર્વિસમાં, લેપટોપના ટચ સ્ક્રીન કે સ્માર્ટફોનમાં ડિજિટલ પેનથી કોઈ લખાણ લખો તો તેને એડિટેબલ ટેક્સ્ટમાં ફેરવી શકાય છે.