રાહુલ ગાંધીના આક્રમક તેવર, ફોરેન પોલિસીથી અમિત શાહ સુધી સરકાર પર પ્રહાર
દિલ્હીમાં યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં રાહુલ ગાંધીએ સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા. કોંગ્રેસના મુદ્દાઓ સાથે તેમણે વિદેશ નીતિ, સંસદમાં વિપક્ષના સવાલો અને વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા મુદ્દાઓ પર પણ સરકારને ઘેરી.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતાં કહ્યું કે માત્ર નેતાઓને ગળે મળવું એ ફોરેન પોલિસી નથી. તેમણે વિદેશ નીતિને લઈને સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે દેશના હિતો તથા વ્યૂહાત્મક સંબંધો પણ એટલા જ મહત્વના છે.
અમિત શાહ પર પ્રહાર કરતાં રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો કે જેમને ક્યારેક ‘ચાણક્ય’ અને ‘સરદાર પટેલ’ જેવા નામોથી ઓળખાવવામાં આવે છે, તેઓ વિપક્ષના સવાલો સામે ગાયબ થઈ ગયા. તેમણે સંસદના સત્ર દરમિયાન સરકાર પર વિપક્ષના પ્રશ્નોના જવાબ ન આપવાનો આરોપ લગાવ્યો.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે સરકાર સામે સવાલો પૂછવામાં આવી રહ્યા છે અને દેશની જનતા હવે પોતાના વિચારો વ્યક્ત કરવાથી રોકાશે નહીં. કોંગ્રેસ વિપક્ષ તરીકે વધુ મજબૂત બનશે અને વિદ્યાર્થીઓ તથા સામાન્ય લોકોના મુદ્દાઓને લઈને સંઘર્ષ ચાલુ રાખશે.
આ સમગ્ર ભાષણ દરમિયાન રાહુલ ગાંધીનો આક્રમક અંદાજ જોવા મળ્યો, તો બીજી તરફ કેટલાક મુદ્દાઓ પર તેમણે હળવા-ફુલકા અને મજાકિયા અંદાજમાં પણ સરકાર પર નિશાન સાધ્યું.
તમારા મત મુજબ રાહુલ ગાંધીના ફોરેન પોલિસી પરના આ સવાલો કેટલા યોગ્ય છે?
ટિપ્પણીઓ