ચીનમાં એક સાથે 3 વાવાઝોડાં સક્રિય! ડોલ્ફિન બાદ ચાન-હોમ અને પેઈલેઉ થી વધ્યું જોખમ

 ચીનમાં એક સાથે ત્રણ વાવાઝોડાં સક્રિય! ડોલ્ફિન બાદ ચાન-હોમ અને પેઈલેઉએ વધારી ચિંતા



બેઈજિંગ, તા. 9: ચીનના પૂર્વીય કાંઠે ડોલ્ફિન વાવાઝોડાએ લેન્ડફોલ કરીને ભારે અસર સર્જી છે. આ વચ્ચે ઉત્તર-પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં એક સાથે વધુ બે વાવાઝોડાં સક્રિય થતાં ચીન અને આસપાસના વિસ્તારોમાં ચિંતા વધી છે. હાલ ડોલ્ફિન, ચાન-હોમ અને પેઈલેઉ એમ કુલ ત્રણ વાવાઝોડાં સક્રિય હોવાનું સામે આવ્યું છે.


ચીનના સેન્ટ્રલ ટેલિવિઝનના અહેવાલ મુજબ પેઈલેઉ વાવાઝોડું પશ્ચિમ ઉત્તર પેસિફિક મહાસાગરમાં સક્રિય થયું છે. તે હાલમાં સૈપાનથી ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશામાં અંદાજે 740 કિલોમીટર દૂર સમુદ્ર વિસ્તારમાં આગળ વધી રહ્યું છે. હાલની સ્થિતિ મુજબ આ વાવાઝોડું દરિયામાં જ આગળ વધવાની શક્યતા હોવાથી તેના લેન્ડફોલની સંભાવના ઓછી હોવાનું માનવામાં આવે છે.


બીજી તરફ ચાન-હોમ વાવાઝોડું પણ સક્રિય બન્યું છે અને તે જાપાન તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમની ગતિ અને દિશા પર હવામાન વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. આગામી દિવસોમાં તેની અસર જાપાન અને આસપાસના દરિયાઈ વિસ્તારોમાં જોવા મળી શકે છે.


નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઓગસ્ટની શરૂઆત ઉત્તર-પશ્ચિમ પેસિફિક ક્ષેત્રમાં વાવાઝોડાંની સક્રિયતાનો મહત્વપૂર્ણ સમયગાળો ગણાય છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એન્ડ એન્વાયરમેન્ટ અફેર્સના ડિરેક્ટર મા જુનના જણાવ્યા મુજબ આ જ કારણસર હાલમાં એક સાથે ત્રણ વાવાઝોડાં સક્રિય થયા છે.


એક સાથે ત્રણ શક્તિશાળી સિસ્ટમ સક્રિય થતાં પૂર્વ એશિયાના હવામાન પર તેની અસર જોવા મળી શકે છે. ખાસ કરીને ચીન, જાપાન અને આસપાસના દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદ, તેજ પવન અને ઊંચા મોજાંની સ્થિતિ સર્જાવાની શક્યતા છે.


હાલ ડોલ્ફિન બાદ ચાન-હોમ અને પેઈલેઉની ગતિવિધિ પર વિશ્વભરના હવામાન નિષ્ણાતોની નજર ટકેલી છે. આગામી દિવસોમાં આ ત્રણેય વાવાઝોડાંમાંથી કયું વધુ ખતરનાક સાબિત થશે, તે જોવાનું રહેશે.

ટિપ્પણીઓ