દેશભરમાં ચોમાસું બન્યું સક્રિય, 22 જુલાઈ બાદ અનેક રાજ્યોમાં ભારે વરસાદનો એલર્ટ – IMDની મોટી આગાહી
દેશભરમાં ચોમાસું હવે સંપૂર્ણ રીતે સક્રિય બન્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ 22 જુલાઈ બાદ દેશના અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આસામ સહિત અનેક રાજ્યોમાં ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરાયા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 4થી 5 દિવસ ઉત્તર ભારત, પૂર્વ ભારત અને પૂર્વોત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. હરિયાણા અને મધ્ય ભારત ઉપર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ બંગાળની ખાડીથી અરબી સમુદ્ર સુધી ફેલાયેલી ટ્રફ લાઇનના કારણે ચોમાસું વધુ સક્રિય બન્યું છે.
હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, અચાનક પૂર અને રસ્તાઓ બંધ થવાની શક્યતા છે. ચારધામ યાત્રા પર જતા યાત્રાળુઓને હવામાનની તાજી માહિતી મેળવીને જ મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે.
દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, ટ્રાફિક જામ અને વીજળી પડવાના બનાવો બની શકે છે.
બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કોશી, સીમાંચલ અને મિથિલાંચલ વિસ્તારમાં નદીઓના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે. ઝારખંડમાં અનેક જિલ્લાઓમાં વરસાદ સાથે આકાશી વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે.
મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભ વિસ્તારમાં પણ અનેક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ચોમાસું જોર પકડશે અને કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કોંકણ-ગોવા વિસ્તારમાં પણ વરસાદનો માહોલ યથાવત રહેશે.
પૂર્વોત્તર ભારતના આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.
IMDએ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં 40થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવી છે. માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની ખાસ સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગે લોકોને અપીલ કરી છે કે ભારે વરસાદ દરમિયાન નદી-નાળા પાસે ન જાય, ખુલ્લા મેદાનમાં વીજળીના સમયે ઉભા ન રહે, પર્વતીય વિસ્તારોમાં બિનજરૂરી મુસાફરી ટાળે અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે.
આગામી દિવસોમાં દેશના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે. તેથી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા તાજા બુલેટિન પર સતત નજર રાખવી જરૂરી છે.

ટિપ્પણીઓ