ગુજરાતમાં ડબલ એટેક: ગરમી પણ ભયંકર, વરસાદની પણ એન્ટ્રી!! ચોમાસું ક્યાંક આસપાસ છે.

 ગુજરાતમાં ડબલ એટેક: ગરમી પણ ભયંકર, વરસાદની પણ એન્ટ્રી!


ગુજરાતમાં અત્યારે એક તરફ અસહ્ય ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે તો બીજી તરફ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમોને કારણે પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતી જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાતો અનુસાર આગામી દિવસોમાં વાતાવરણમાં મોટા પાયે ફેરફાર જોવા મળી શકે છે.

અત્યારે બંગાળની ખાડીમાં મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે. આ સિસ્ટમ ધીમે ધીમે વધુ મજબૂત બનતી જાય તેવી શક્યતા છે. બીજી તરફ શ્રીલંકાની નીચે તથા માલદીવ્સ નજીક પણ સિસ્ટમો સક્રિય બની છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી – બંને તરફ એકસાથે સિસ્ટમો બનવાથી દક્ષિણ ભારત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે.

હવામાન મોડેલ્સ અનુસાર બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ચેન્નાઈના દરિયાકાંઠા તરફ આગળ વધી શકે છે. જોકે હાલ આ સિસ્ટમ બહુ જ શક્તિશાળી બને તેવી સંભાવના ઓછી દેખાઈ રહી છે. જ્યારે માલદીવ્સ નજીક બનેલી સિસ્ટમનો ટ્રેક મહારાષ્ટ્ર તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે. તેની અસર મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત સુધી પહોંચી શકે છે.

આ સિસ્ટમોના કારણે ગુજરાતમાં પણ પ્રી-મોન્સૂન વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કેટલાક મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા થી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. અમુક જિલ્લાઓમાં ગાજવીજ સાથે સારો વરસાદ પણ નોંધાઈ શકે છે. જોકે અતિભારે વરસાદની શક્યતા હાલમાં ઓછી માનવામાં આવી રહી છે.

બીજી તરફ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. 15 મે સુધી ગુજરાતમાં હીટવેવ જેવી સ્થિતિ રહેવાની શક્યતા છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 42 થી 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. દિવસ દરમિયાન જ નહીં પરંતુ મોડી રાત સુધી ઉકળાટ અને ભેજના કારણે ગરમીનો અનુભવ થશે.

હવામાન નિષ્ણાતોનું માનવું છે કે ગુજરાતમાં “હિટ ડોમ” જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. એટલે કે ગરમ હવા લાંબા સમય સુધી એક વિસ્તારમાં અટવાઈ રહે, જેના કારણે દિવસ અને રાત્રિ બંને દરમિયાન ગરમીમાં ખાસ ઘટાડો અનુભવાતો નથી. વહેલી સવારથી જ ગરમી શરૂ થઈ જશે અને રાત્રે પણ લોકોને રાહત નહીં મળે.

15 તારીખ બાદ તાપમાનમાં એકાદ-બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, પરંતુ તે માત્ર આંશિક રાહત સાબિત થશે. કુલ મળીને ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમી અને પ્રી-મોન્સૂન વરસાદ – બંનેનો ડબલ અસર જોવા મળશે.

તમારા વિસ્તારમાં અત્યારે ગરમી છે કે વરસાદી માહોલ? અમને કોમેન્ટમાં જરૂર જણાવો.

ટિપ્પણીઓ