શેરમાર્કેટ માટે એપ્રિલ મહિનો રાહતદાયક રહ્યો. નિફ્ટીએ સતત ચાર મહિનાના કરેક્શન બાદ અંદાજે 7%ની તેજી નોંધાવી. 2 એપ્રિલે 22,182ના નીચલા સ્તરેથી માત્ર 11 ટ્રેડિંગ દિવસોમાં ઇન્ડેક્સમાં 2,400થી વધુ અંકનો ઉછાળો આવ્યો. અમેરિકા-ઇરાન યુદ્ધવિરામથી બનેલા સકારાત્મક માહોલને કારણે માર્કેટમાં શોર્ટ કવરિંગ વધ્યું અને આ રેલીને બળ મળ્યું.
21 એપ્રિલે નિફ્ટી 24,601ના સ્તર સુધી પહોંચ્યો, પરંતુ ત્યારબાદ પ્રોફિટ બુકિંગ શરૂ થયું. હાલ તે 23,798થી 24,335ની મર્યાદિત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં પણ 9%ની તેજી બાદ માત્ર 6 દિવસમાં 2,600 પોઈન્ટનો ઘટાડો નોંધાયો. ટેકનિકલ સંકેતો હાલ કોઈ સ્પષ્ટ દિશા દર્શાવતા નથી, એટલે રોકાણકારોએ સતર્ક રહેવું જરૂરી છે.
માર્કેટ પર અનેક દબાણો છે. વિદેશી રોકાણકારોએ રૂ. 30,911 કરોડની વેચવાલી કરી છે. ડેરિવેટિવ્સમાં તેમનો લોંગ-શોર્ટ રેશિયો 22.7%થી ઘટીને 11.5% રહ્યો છે, જે બજારમાં વધતી સાવચેતી દર્શાવે છે. વધતા ક્રૂડ ઓઇલના ભાવ અને નબળા રૂપિયાએ પણ માર્કેટ પર નકારાત્મક અસર પેદા કરી છે.
આગામી દિવસોમાં નિફ્ટી માટે 24,300-24,350નો ઝોન મહત્વપૂર્ણ રહેશે. જો ઇન્ડેક્સ આ સ્તરથી ઉપર ટકશે તો તે 24,700 સુધી જઈ શકે છે. જો માર્કેટમાં ઘટાડો આવે તો 23,750નો સ્તર મહત્વપૂર્ણ સપોર્ટ રહેશે, અને તે તૂટે તો 23,400 સુધીની ગિરાવટ શક્ય છે.
સેક્ટરલ દ્રષ્ટિએ સરકારી કંપનીઓ, ડિફેન્સ, ફાર્મા અને હેલ્થકેર સેક્ટર આગામી સપ્તાહમાં સારું પ્રદર્શન કરી શકે છે. જ્યારે બેન્કિંગ, આઇટી અને સરકારી બેન્ક સેક્ટરમાં નબળાઈ જોવા મળી રહી છે. સ્મોલકેપ ઇન્ડેક્સે એપ્રિલમાં 18.44%ની જોરદાર તેજી નોંધાવી છે અને ટેકનિકલી હજુ મજબૂત દેખાઈ રહ્યો છે.
ઇતિહાસ મુજબ મે મહિનો મિશ્ર રહ્યો છે. છેલ્લા 20 વર્ષમાં 9 વખત પોઝિટિવ અને 11 વખત નેગેટિવ રિટર્ન મળ્યા છે. 2020 બાદ સમ વર્ષોમાં ઘટાડો અને વિષમ વર્ષોમાં તેજીનો ટ્રેન્ડ રહ્યો છે, એટલે મે 2026 માટે રોકાણકારોએ ખાસ સતર્કતા રાખવી જરૂરી છે.
ટિપ્પણીઓ