રાજકોટમાં ૩૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયોઃ ગરમીમાં આંશિક રાહત ઓખા,દ્વારકા અને કલ્યાણપુરમાં કમોસમી વરસાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી માહોલ

 અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોનીક સરક્યુલેશનના કારણે આજે હવામાન પ્લટો થયો હતો. દ્વારકા પંથકમાં સવારે અને બપોરે કમોસમી વરસાદનું જોરદાર ઝપટુ વરસી જતા રસ્તા ઉપરથી પાણી વહેવા માંડ્યા હતા. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ સાથે પવનનું જોર વધતા સર્વત્ર ગરમીનો પારો ગગડયો હતો. આજે અચાનક વાતાવરણમાં પલટો આવતા ખંભાળિયા સહિત સમગ્ર પંથકમાં ભરઉનાળે વરસાદી માહોલ સર્જાયો હતો અચાનક વાતાવરણ ચોમાસા જેવું બન્યું હતું વરસાદી માહોલ વચ્ચે ખંભાળીયામાં ૪ મીમી વરસાદ પડયો હતો. જ્યારે ઓખામાં સવારે ૧૦ વાગ્યાની આસપાસ ૨ મીમી અને કલ્યાણપુરમાં બપોરે બે વાગ્યાની આસપાસ ૩ મીમી વરસાદ પડયો હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું છે. અચાનક આવેલા આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. રાજકોટ શહેરમાં બપોરે પવનનું જોર વધી ગયું હતું ૩૦ કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. જ્યારે કચ્છ જિલ્લામાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ખાવડા સહિતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડયા હતા. જ્યારે ભુજ, સુખપર, માનકુવા અને માધાપર સહિતમાં પણ છૂટાછવાયા ઝરમરીયા થયા હતા.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આજે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી



અમદાવાદ : ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ હવામાનમાં મોટો પલટો જોવા મળ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની સક્રિયતાને કારણે ગુરુવાર સવારના ૬ વાગ્યાથી આગામી ૪૮ કલાક દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારના રોજ ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. આ સિવાય કેટલાક જિલ્લાઓમાં ૩૦થી ૫૦ કિમી સુધીની ઝડપે પવન ફૂંકાવાના પણ સંકેતો આપવામાં આવ્યા છે.ઈરાન-અફઘાનિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ૪૮ કલાક દરમિયાન વરસાદ પડવાની શક્યતાઓ છે, જેમાં ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસ દરમિયાન વરસાદ પડી શકે છે. શુક્રવારના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાના સંકેત અપાયા છે. અમદાવાદમાં આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે અને મહત્તમ તાપમાન ૩૭ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

ટિપ્પણીઓ