ઈઝરાયેલ-યુએસ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં બે સપ્તાહના વિરામ ટકશે કે નહીં તે અંગે ઊભી થયેલી અનિશ્ચિતતા વચ્ચે વૈશ્વિક બજારોમાં આજે મંદી જોવા મળી હતી. તેના પ્રભાવ હેઠળ ભારતીય શેરબજાર પણ પ્રારંભે ઘટાડા સાથે ખુલ્યું હતું અને સેશન આગળ વધતાં મંદી વધુ ઘેરી બનતી ગઈ. અંતે બન્ને મુખ્ય સૂચકાંકો આશરે એક ટકા જેટલા ઘટાડા સાથે બંધ રહ્યા, જેના કારણે છેલ્લા પાંચ સેશનથી ચાલતી તેજી પર બ્રેક લાગી ગયો. જોકે, રિટેલ ઇન્વેસ્ટર્સના પ્રિય મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં નજીવી તેજી જોવા મળી હતી. સાથે સાથે મેટલ, ફાર્મા અને આઈટી સેક્ટરમાં પણ ખરીદીનો માહોલ રહ્યો હતો, પરંતુ બેંકિંગ અને ફાઈનાન્સિયલ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. ખાસ કરીને HDFC બેંક જેવા હેવીવેઈટ શેરોમાં નોંધપાત્ર ઘટાડાને કારણે મુખ્ય સૂચકાંકો પર વધુ દબાણ આવ્યું હતું. રૂપિયા નબળો પડવો અને વિદેશી ફંડોની સતત વેચવાલી પણ બજારના સેન્ટિમેન્ટને નબળું બનાવનારા મુખ્ય કારણો રહ્યા હતા.
પ્રારંભે 243 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યા બાદ સેન્સેક્સે ઇન્ટ્રા-ડે દરમિયાન 77,429ની ઊંચી અને 76,347ની નીચી સપાટી નોંધાવી હતી. કુલ 1,082 પોઈન્ટની વધઘટ વચ્ચે અંતે સેન્સેક્સ 931 પોઈન્ટ એટલે કે 1.20 ટકા ઘટીને 76,931 પર બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન એક સમયે સેન્સેક્સ પાછલા બંધની સરખામણીએ 1,215 પોઈન્ટ સુધી તૂટ્યો હતો, જોકે અંતે થોડો સુધારો કરીને નીચલા સ્તરથી 284 પોઈન્ટ ઉપર બંધ રહ્યો હતો.
નિફ્ટી પણ 88 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો અને ઇન્ટ્રા-ડે દરમિયાન 23,990ની ઊંચી અને 23,682ની નીચી સપાટી નોંધાવી હતી. કુલ 308 પોઈન્ટની વધઘટ બાદ નિફ્ટી 222 પોઈન્ટ એટલે કે 0.93 ટકા ઘટીને 23,775 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ એક સમયે 315 પોઈન્ટ સુધી તૂટ્યો હતો, પરંતુ અંતે નીચલા સ્તરથી માત્ર 93 પોઈન્ટનો સુધારો નોંધાવ્યો હતો. નોંધનીય છે કે સેન્સેક્સ અને નિફ્ટી બન્ને દિવસ દરમિયાન એક પણ વખત પાછલા બંધથી ઉપર જઈ શક્યા નહોતા અને ઇન્ટ્રા-ડે લોની નજીક જ બંધ રહ્યા હતા. જોકે નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સમાં 179 પોઈન્ટનો સુધારો નોંધાયો હતો.

ટિપ્પણીઓ