અમેરિકા-ઈરાન યુદ્ધથી વૈશ્વિક બજારમાં હાહાકાર! ક્રૂડ 120$ પાર, સોનું-ચાંદીમાં મોટો ધરાશાયો

 અમેરિકા-ઈરાન યુદ્ધથી વૈશ્વિક બજારમાં હાહાકાર! ક્રૂડ 120$ પાર, સોનું-ચાંદીમાં મોટો ધરાસાય.



અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને હવે પાંચ અઠવાડિયા પૂરા થવા આવ્યા છે, જ્યારે હોર્મુઝની સામુદ્રધુની પર ઈરાન દ્વારા કરવામાં આવેલી નાકાબંધીને ચાર અઠવાડિયા વીતી ગયા છે. વિશ્વના સૌથી શક્તિશાળી દેશો ગણાતા અમેરિકા અને નાટો જેવી શક્તિઓ અત્યાર સુધી આ નાકાબંધી ખોલાવવામાં સફળ રહી નથી, જેના કારણે વૈશ્વિક સ્તરે એનર્જી સપ્લાય પર ગંભીર અસર જોવા મળી રહી છે.

આ સંઘર્ષ દરમિયાન ઈઝરાયેલ અને અમેરિકા તરફથી બંકર બસ્ટર બોમ્બ અને મિસાઈલ હુમલાઓ તેજ બન્યા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રને સંબોધતા ઈરાનને કડક ચેતવણી આપી હતી કે તેને પાષાણ યુગમાં ધકેલી દેવામાં આવશે. તેના જવાબમાં ઈરાને વધુ આક્રમક વલણ અપનાવી હુમલાઓમાં તેજી લાવી છે. શનિવારે અમેરિકાના બે વિમાનો તૂટી પડવાના બનાવે પરિસ્થિતિ વધુ તંગ બનાવી છે.

ઈરાને કતાર, બહેરીન અને અન્ય ખાડી દેશોમાં એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર નિશાન સાધતા હુમલાઓ કર્યા છે, જેના કારણે આ યુદ્ધ હવે આર્થિક યુદ્ધનું સ્વરૂપ લઈ રહ્યું છે. કતાર-ઈરાન ગેસ ક્ષેત્રો, સાઉદી અરેબિયા અને કુવેતની ઓઈલ રિફાઈનરી, બહેરીન અને દુબઈના એલ્યુમિનિયમ પ્લાન્ટ તેમજ ડિસેલિનેશન પ્લાન્ટને નુકસાન પહોંચ્યું છે.

હોર્મુઝની નાકાબંધીને કારણે વિશ્વના લગભગ 20 ટકા ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાય પર અસર પડી છે. પરિણામે, ક્રૂડના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. છેલ્લા છ મહિનામાં ક્રૂડના ભાવ દોઢગણા થઈ ગયા છે, જ્યાં એક તબક્કે ઓમાન ક્રૂડ 170 ડોલર સુધી પહોંચ્યું હતું. હાલમાં બ્રેન્ટ ક્રૂડ લગભગ 120 ડોલર આસપાસ છે, જ્યારે નાયમેક્સ ક્રૂડ પણ 54 ડોલરથી વધીને 115 ડોલર સુધી પહોંચી ગયું છે.

અન્ય એનર્જી અને પેટ્રોકેમિકલ પ્રોડક્ટ્સમાં પણ ભારે વધારો નોંધાયો છે. અલ્ટ્રા લો સલ્ફર ડીઝલના ભાવ 590 ડોલરથી વધીને 1580 ડોલર થયા છે. યુરિયા, પીવીસી, ઈથેલીન ગ્લાયકોલ, મિથાનોલ અને પીટીએ જેવા ઉત્પાદનોમાં 60થી 100 ટકા સુધીનો વધારો નોંધાયો છે.

આ તરફ કિંમતી ધાતુઓમાં વિપરીત ટ્રેન્ડ જોવા મળ્યો છે. સોનાના ભાવ ટોચના સ્તર 1,83,000માંથી ઘટીને 1,49,000 સુધી આવી ગયા છે, જે લગભગ 20 ટકાનો ઘટાડો દર્શાવે છે. ચાંદીમાં તો વધુ મોટો ઘટાડો નોંધાયો છે, જ્યાં ભાવ લગભગ 55 ટકા સુધી તૂટ્યા છે. ઔદ્યોગિક માંગમાં ઘટાડો અને મંદીના ભયને કારણે કોપર અને ઝિંક જેવા બેઝ મેટલ્સમાં પણ દબાણ જોવા મળ્યું છે, જેના કારણે ચાંદી પર વધુ અસર પડી છે. 

ટિપ્પણીઓ