ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર! ગરમી વચ્ચે હવે માવઠાની શક્યતા.
ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીનો પારો ઝડપથી ચઢતો જોવા મળી રહ્યો છે. રાજ્યના ઘણા શહેરોમાં તાપમાન સામાન્ય કરતા લગભગ ૩ થી ૪ ડિગ્રી વધુ નોંધાતા લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે.
આ વચ્ચે હવામાન વિભાગે આગામી દિવસોમાં હવામાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના વ્યક્ત કરી છે. પશ્ચિમ તરફથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પવનના પ્રવાહમાં થતા ફેરફારને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા ઉભી થઈ છે.
આગાહી મુજબ ૧૮ માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ અથવા ઝાપટાં પડી શકે છે. ત્યારબાદ ૧૯ માર્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં શુક્રવારે મહત્તમ તાપમાન લગભગ ૩૯.૫ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા લગભગ ૪.૪ ડિગ્રી વધુ છે. જ્યારે લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતા વધારે નોંધાયું હતું. રાજ્યમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં જોવા મળી, જ્યાં તાપમાન લગભગ ૩૯.૮ ડિગ્રી સુધી પહોંચ્યું હતું.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં ૨ થી ૪ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જોકે તાપમાનમાં ઘટાડા સાથે ભેજનું પ્રમાણ વધવાની શક્યતા છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી સાથે ભેજવાળું હવામાન લોકો માટે અકળામણ વધારી શકે છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રીજનના કોસ્ટલ વિસ્તારોમાં આગામી દિવસોમાં હોટ એન્ડ હ્યુમિડ હવામાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આગામી સપ્તાહ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડવાની શક્યતા હોવાથી હવામાનમાં બદલાવ જોવા મળી શકે છે.

ટિપ્પણીઓ