વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી સક્રિય: ઉત્તર ભારતમાં વરસાદ અને બરફવર્ષાની India Meteorological Departmentની મોટી આગાહી!
ભારતીય હવામાન વિભાગ (IMD) એ પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરની ભવિષ્યવાણી કરી છે, જેનાથી જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં ૧૭-૧૮ ફેબ્રુઆરીએ છૂટોછવાયો વરસાદ કે બરફવર્ષા થઈ શકે છે.
IMD અનુસાર, તાજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર-પશ્ચિમ ભારત અને પશ્ચિમી હિમાલય ક્ષેત્ર પર પડી રહી છે. ૧૫ ફેબ્રુઆરી એ દેશના ઉત્તરના ભાગોમાં લઘુતમ તાપમાનમાં સામાન્ય વૃદ્ધિ જોવા મળી છે, જ્યારે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં સવારના સમયે ઝાકળ જોવા મળ્યું હતું.
દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમી રાજ્યોમાં આકાશ મુખ્યત્વે ચોખ્ખું જોવા મળ્યું પરંતુ ૧૭ અને ૧૮ ફેબ્રુઆરીએ અલગ અલગ સ્થળોએ વરસાદ અને ગાજ સાથે ઝાપટાં પડવાની સંભાવના છે.
હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં ૧૬થી ૧૮ ફેબ્રુઆરી સુધી અલગ અલગ જગ્યાએ વરસાદ-બરફ વર્ષાની આશા છે, જે ઠંડીના છેલ્લા તબક્કામાં રાહત આપી શકે છે. દક્ષિણી ઉપદ્વીપમાં ગરમ અને આર્દ્ર હવામાન ચાલુ છે, જ્યારે પૂર્વોત્તરમાં હળવા વરસાદની સંભાવના છે.
IMD અનુસાર, ઉત્તર-પશ્ચિમી મેદાની વિસ્તારો જેવા કે પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઉત્તર રાજસ્થાન, પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ૧૭-૧૮ ફેબ્રુઆરીએ ગાજ-વીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવાઈ છે. આ દરમિયાન તોફાની પવન અને વીજળી પડવાની એલર્ટ છે. જોકે, દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી ઓછા વરસાદની જ્યારે દક્ષિણી ઉપખંડમાં કેટલાક ભાગોમાં સામાન્યથી વધારે વરસાદ પડી શકે છે.
ઠંડીનું જોર ઘટી રહ્યું છે.
વાતાવરણીય રીતે ફેબ્રુઆરીમાં ઠંડી ધીમે ધીમે ઘટી રહી છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતમાં ફરી એક વાર હવામાનીય પ્રવૃત્તિઓ વધી શકે છે. IMDએ લોકોને સત્તાવાર સલાહનું પાલન કરવા, ખાસ કરીને પહાડી ક્ષેત્રોમાં પ્રવાસ દરમિયાન સાવધ રહેવાની અપીલ કરી છે. દક્ષિણ ભારતમાં ગરમીની અનુભૂતિ વધી રહી છે, જ્યારે ઉત્તરી ભાગોમાં ઝાકળ અને હળવા વરસાદથી વાતાવરણ ખુશનુમા રહેશે. ઉલ્લેખનીય છે કે દેશના પશ્ચિમી રાજ્યોમાં હાલ ઠંડીનું જોર ઘટી રહ્યું છે. અહીં ઘણા વિસ્તારોમાં દિવસે ગરમી અને રાત્રે હળવી ઠંડીની અનુભૂતિ થઇ રહી છે.

ટિપ્પણીઓ