અમદાવાદનું દિવસનું તાપમાન સામાન્ય કરતા ૨.૯ ડિગ્રી વધુ નોંધાયું.
રાજ્યમાં ગરમીના વર્તારો શરૂ, ૧૨ શહેરમાં તાપમાનનો પારો ૩૪ ડિગ્રીને પાર પહોંચ્યો.
રાજ્યમાં ઉનાળાની ગરમીનો વર્તારો શરૂ થઈ ગયો છે. આજે રાજ્યના ૧૨ જેટલા શહેરમાં મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રીને પાર નોંધાયુ હતુ. અમદાવાદ શહેરમાં દિવસનું તાપમાન સામાન્ય કરતાં ૨.૯ ડિગ્રી વધુ નોંધાઈ રહ્યુ છે.
આજે અમદાવાદનું તાપમાન ૩૪ ડિગ્રી નોંધાયું હતું. જે હાલની સ્થિતિ મુજબ, ૩૧ ડિગ્રીની આસપાસ રહેવું જોઈએ. મહત્તમ તાપમાનની સાથે સાથે લઘુતમ તાપમાનનો પારો ઊંચકાતા વહેલી સવારની અને મોડી રાતની ઠંડીમાં પણ સાવ ઘટાડો થઈ ગયો છે.
હવામાન ખાતાએ જારી કરેલી વિગતો મુજબ, રાજ્યના ત્રણ શહેરમાં દિવસનુ તાપમાન ૩૫ ડિગ્રીને પાર પહોંચી ગયું છે, જેમાં સૌથી વધુ ડીસામાં ૩૫.૮ ડિગ્રી, કંડલા પોર્ટમાં ૩૫.૨ અને રાજકોટનું તાપમાન ૩૫.૩ ડિગ્રી પહોંચ્યું છે. જોકે અમદાવાદમાં આજે ૩૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
અમદાવાદ સહિત ગુજરાતમાં ચાલુ વર્ષે પણ ગત વર્ષની માફક ફેબ્રુઆરી મહિનાથી ગરમીનો વર્તારો શરૂ થઈ ચુક્યો છે. ગત વર્ષને ફેબ્રુઆરી મહિનાની ૧૫ તારીખે નોંધાયેલા તાપમાન પર નજર કરવામાં આવે તો અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૪.૭ ડિગ્રી નોંધાયું હતુ જ્યારે લઘુતમ તાપમાન ૧૫.૨ ડિગ્રી નોંધાયું હતું.
આમ ગત વર્ષ અને ચાલુ વર્ષના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. બીજી તરફ હવામાન ખાતા દ્વારા આગામી એક સપ્તાહમાં દિવસના તાપમાન અંગે આપેલા સંકેતો મુજબ સપ્તાહના અંત સુધીમાં અમદાવાદનું તાપમાન ૩૫ ડિગ્રીને પાર જવાની શક્યતાઓ છે.

ટિપ્પણીઓ