આજે આપડે આ વીડિયો માં ભારત ની રોચક રહસ્યો ની વાત કરવા ના છીએ, આજે પણ ભારત ના એવા ઘણા રહસ્યો છે જે આજે પણ રહસ્યો જ છે.


ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું નાનકડું ગામ એટલે માણા ગામ. બદ્રીનાથથી માત્ર ચાર કિલોમીટરના અંતરે આવેલા માણા ગામને પહેલાં ભારતનું છેલ્લું ગામ માનવામાં આવતું હતું. હવે આ ગામની ગણતરી ભારતના પહેલા ગામમાં કરવામાં આવે છે. દરિયાની સપાટીથી ૩,૨૧૯ મીટર ઊંચાઈ પર માણા ગામ આવેલું છે. શિયાળામાં બરફ પડવાને કારણે બરફની ચાદરથી આખું ગામ ઢંકાઈ જાય છે. પરિણામે છ મહિના સુધી જેમ ચાર ધામ બંધ રહે છે એ રીતે બરફને કારણે આ ગામમાં વસવાટ કરતા લોકો ગામ ખાલી કરીને ચમોલી જતાં રહે છે.

હિમાલયના પર્વતોથી ઘેરાયેલા માણા ગામમાં અનેક જોવાલાયક સ્થળો આવેલાં છે. આ ગામમાં આશરે ત્રણસોથી ચારસો પરિવાર વસવાટ કરે છે. માણા ગામ નાનું હોવા છતાં તેની સાથે અનેક કથાઓ જોડાયેલી છે. આ ગામમાં માણિક નામનો એક વેપારી રહેતો હતાં. તે શિવભક્ત હતો. એક વખત વેપાર માટે અવરજવર દરમિયાન કેટલાક લૂંટારાએ તેને લૂંટીને ગળું કાપી મારી નાંખ્યો હતો. માણિકની શિવભક્તિ એટલી પ્રચંડ હતી કે કપાયેલું ગળું પણ શિવના નામનો જાપ કરતું હતું. આવી ભક્તિ જોઈને શિવ સ્વયં પ્રગટ થયા અને માણિકના શરીર પર વરાહ એટલે કે ભૂંડનું માથું જોડી તેને જીવતો કર્યો. એની ભક્તિથી પ્રસન્ન થઈને એવું વરદાન આપ્યું કે જે કોઈ માણા ગામમાં આવશે તેની ગરીબી દૂર થશે. એ દિવસથી માણા ગામમાં શિવના રૂપમાં મણિભદ્રની પૂજા થાય છે.


ચીનની બોર્ડર અહીંથી થોડા કિલોમીટર જ દૂર છે. માણા ગામમાં આશરે ૫૦૦૦ હજાર વર્ષ જૂની વ્યાસ ગુફા છે. એવું કહેવાય છે કે વેદ વ્યાસે આ ગુફામાં વેદોને ચાર ભાગમાં વિભાજિત કર્યાં હતા. પછી ૧૮ પુરાર્ણોની રચના કરી હતી. મહાભારતની રચના પણ વેદ વ્યાસે કરી હતી. પૌરાણિક કથા અનુસાર, જયારે ઋષિ વેદ વ્યાસજીએ સમગ્ર મહાભારતનું દૃશ્ય ખુદની અંદર આત્મસાત્ કર્યું હતું, પરંતુ તેઓ લખવામાં અસમર્થ હતા. તેથી તેમને કોઈ એવી વ્યક્તિની જરૂર હતી જે અટક્યા વિના સંપૂર્ણ મહાભારત લખી શકે, ત્યારે તેમણે બ્રહ્માજીને પ્રાર્થના કરી. બ્રહ્માજીએ તેમને કહ્યું કે ગણેશજી બુદ્ધિના દેવતા છે, તે ચોક્કસ તમારી મદદ કરશે. વ્યાસજીએ ગણેશજીને મહાભારત લખવા માટે પ્રાર્થના કરી, ગણપતિજીએ લખવામાં વિશેષ કુશળતા મેળવેલી છે, તેમણે મહાભારત લખવાની સ્વીકૃતિ આપી દીધી. ઋષિ વેદવ્યાસજીએ આ ગુફામાં બેસીને મહાભારતની સંપૂર્ણ કથા ભગવાન શ્રીગણેશજીને સંભળાવી. જેને ભગવાન શ્રીગણેશે અક્ષરશઃ લખી હતી. સ્કંદપુરાણમાં વ્યાસ ગુફા અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ગુફામાં વેદ વ્યાસની પ્રતિમા છે. આ ઉપરાંત ગણેશ ગુફા પણ છે. ગણેશ ગુફામાં બેસીને ગણેશજીએ મહાભારતની કથા લખી હતી એવું માનવામાં આવે છે.

સરસ્વતી નદી પર ભીમ પુલ છે. તેના અંગે એક વાર્તા પ્રચલિત - છે. જ્યાં પાંડવો સ્વર્ગમાં જઈ રહ્યાં હતા ત્યારે તેમણે સરસ્વતી - નદીથી આગળ જવા માટે રસ્તો માંગ્યો હતો, પરંતુ સરસ્વતી નદીએ ના પાડી દીધી તો ભીમે મોટી શિલા ઉઠાવીને તેની ઉપર મૂકી દીધો. જેનાથી પુલ બન્યો અને આ પુલ ઉપર થઈને પાંડવો પસાર થયા હતા. આજે પણ આ પુલ અસ્તિત્વમાં છે.

માણા ગામમાં અલકનંદા અને સરસ્વતી નદીનો સંગમ પણ છે. સરસ્વતી નદીનું ઉદગમસ્થાન પણ અહીં છે. વેદ વ્યાસજી જ્યારે બોલતાં હતા અને ગણેશજી લખતાં હતા ત્યારે સરસ્વતી નદી ખૂબ અવાજ કરતી હતી. એનાથી ગણેશજીને સાંભળવામાં તકલીફ પડતી હતી. તેમણે સરસ્વતી નદીને શાંત થઈ જવા કહ્યું, પરંતુ તે ન માન્યાં એટલે ગણેશજીએ તેમને પાતાળમાં વિલોપ થઈ જવાનો શાપ આપ્યો એવી એક લોકવાયકા પણ છે. આમ, માણા ગામ સાથે અનેક રોચક - વાતો જોડાયેલી છે.