આ વખતે પાલજ મુકામે એક બૃહદ હોળી દહન જોતા પવન હોળી પ્રગટાવવા વખતે સૂર્યાસ્ત પછી પવન પશ્ચિમનો અને સહેજ ઘુમાવ નૈઋત્ય તરફનો હતો. એટલે આગામી ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતા છે. હોળી ઉનાળાના મુખનો અવતાર કહેવાય છે અને વિષુવ દિન નજીક હોળી આવતી હોવાથી તેનું મહત્વ ઘણું છે. હોળીનો પવન સૂર્યાસ્તથી માત્ર ૯૬ મિનિટ જોવાનો હોય છે. તેથી સાંજે ૯-૫૦ પછી ૯૬ મિનિટ સુધી આ પવન જોઈ શકાય. પવન પશ્ચિમનો હોવાથી વાડી ના સુકાય. ક્યારેક ક્યારેક દેશમાં કેટલાક ભાગમાં પૂર  પણ આવી શકે, તેમ અંબાલાલ  પટેલે જણાવ્યું છે.



એકંદરે આ ચોમાસું સારું રહેવા છતાં જુન માસની શરૂઆત સુધીમાં આંધી, વંટોળ અને પવનની ગતિ વધુ રહેછે. રવિવારે હોળી હોવાથી રાજકીય માણસોમાં મતભેદો રહે. બંધ-બખેડા, હડતાલ અને ઘેરાવો રહી શકે. આગામી ત્રણ માસ રાષ્ટ્રીય વાતાવરણ ડહોળાયેલું રહી શકે. કોઈ ગણમાન્ય વ્યક્તિની વિદાય પણ થઈ શકે. તેમજ પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર વધારે નથી અને ઉત્તરા ફાલ્ગુની વધારે હોવાથી રાજ નેતાઓ માટે આ વર્ષ સારું ના ગણાય. 

 રાજ્યમાં આ વખતે ગરમી વધારે પડે. મે માસમાં કેટલાક ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન ૪૧ ડિગ્રી થવાની શક્યતા રહે. કેટલાક ભાગોમાં ૨૬ એપ્રિલ પછી મહત્તમ ઉષ્ણતામાન ૪૪ ડિગ્રી રહેવાની શક્યતા રહે. ૧૧ મે આસપાસ ૪૫ ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શકયતા રહે. રાજસ્થાનના ભાગોમાં ૪૯ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહે. 

ગંગા-જમનાના મેદાનો તપી ઉઠે. પરંતુ આ વખતે એપ્રિલ, મે, જૂનમાં આંધી, વંટોળનું પ્રમાણ વધુ રહેશે. ભારે આંધી, આંધી, વંટોળ, ધુળકટની અસર છેક પાકિસ્તાનથી બિહારના ભાગો સુધી રહેવાની શક્યતા રહેશે.

 વરસાદ અંગે જોઈએ તો આ વખતે આકરી ગરમીના કારણે સમુદ્રનું તાપમાન ઉંચું રહેતા અરબ સાગરમાં પણ ચક્રવાતની શક્યતા રહેશે. અને બંગાળના ઉપસાગરમાં પણ ચક્રવાતની શક્યતા રહેશે. અરબી સમુદ્રનું ચક્રવાત જો હવામાનને ખોરવી ના નાખે અને હિંદ મહાસાગર અને અરબ સાગરનું ઉષ્ણતામાન ઓછું થઈ જાય તો પ્રથમ ચોમાસામાં થોડો ગેપ પણ આવી શકે. આમ છતાં જુન માસમાં પણ ભારે આંધી, વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટ, સપ્ટેમ્બર પણ સારો વરસાદ થવાની શક્યતા રહે. ગાજવીજ સાથે ઓક્ટોબરની શરૂઆતમાં પણ વરસાદ આવી શકવાની શક્યતા રહે. ઓક્ટોબર માસમાં સાગરકાંઠે હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા રહે. પ ઓક્ટોબરથી ૧૭ ઓક્ટોબર સુધી ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન રહે.