ઊંચાં મથાળે સાવચેતી વચ્ચે સાંકડી રેન્જમાં ટ્રેડિંગ
- નિફ્ટી ફરી ૧૯,૮૦૦ની નીચે ઊતર્યો
- એશિયાઈ બજારોમાં તેજીની આગેકૂચ
- વોલેટિલિટી ઇન્ડેક્સ ૩.૫ ટકા ગગડી ૧૦.૬૧ના સ્તરે પીએસઈ, એનર્જી, મેટલ, ઓટોમાં મજબૂતી
- નિપ્પોન, મોતીલાલ ઓસ્વાલ, એનએમડીસી, ગેઈલ નવી ટોચે
શેરબજારમાં સતત બે સત્રોની મજબૂતી પછી કોન્સોલિડેશન જોવા મળ્યું હતું. દિવસ દરમિયાન રેન્જ બાઉન્ડ ટ્રેડ વચ્ચે બેન્ચમાર્ક્સ સાધારણ નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ ૬૫ પોઈન્ટસ ગગડી ૬૬,૪૦૮ની સપાટીએ જ્યારે નિફ્ટી ૧૭ પોઈન્ટ્સ ઘટાડે ૧૯,૭૯૪ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, મિડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં ખરીદી જળવાતાં માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ ૩,૭૯૨ ટ્રેડેડ કાઉન્ટર્સ વચ્ચે ૨.૧૬૮ કાઉન્ટર્સ પોઝિટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે ૧.૫૦૧ કાઉન્ટર્સ ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. ૨૮૪ કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવ્યું હતું. જ્યારે ૨૦ કાઉન્ટર્સે ૫૨-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. ૧૦ કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે ૮ કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ૩.૫ ટકા ગગડી ૧૦.૬૧ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે એશિયન બજારોમાં સતત મજબૂતી વચ્ચે ભારતીય બજારની શરૂઆત પોઝિટિવ જોવા મળી હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના ૧૯,૮૧૧ના બંધ સામે ૧૯,૮૨૩ની સપાટીએ ખૂલી નીચામાં ૧૯,૭૭૩ પર ટ્રેડ થયો હતો. જ્યાંથી બાઉન્સ થઈ એક તબક્કે ૧૯,૮૪૩ની ટોચ બનાવી ફરી ૧૯,૮૦૦ની નીચે ઊતરી ગયો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યૂચર ૪૮ પોઈન્ટ્સના પ્રીમિયમ સાથે ૧૯,૮૪૨ની સપાટીએ ટ્રેડ થયો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં ૪૨ પોઈન્ટ્સના પ્રીમિયમની સરખામણીમાં સાધારણ વૃદ્ધિ સૂચવે છે.
આમ ઊંચા મથાળે લોંગ પોઝિશન લિક્વિડ થયાના સંકેત નથી અને નજીકના સમયમાં માર્કેટમાં વધુ સુધારાની જગ્યા જણાય છે. ટેક્નિકલ એનાલિસ્ટ્સ ૧૯,૬૦૦ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝિશન જાળવવા સૂચવે છે. જોકે નિફ્ટી ૧૯,૭૦૦-૧૯,૯૦૦ની રેન્જમાં કોન્સોલિડેશન દર્શાવે તેવી શક્યતા ઊંચી છે. નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટકોમાં બીપીસીએલ, કોલ ઈન્ડિયા, મારુતિ સુઝુકી, એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પો, ગાસિમ, બજાજ ઓટો, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલનો સમાવેશ થતો હતો.
બીજી બાજુ, ટેક મહિન્દ્રા, એપોલો હોસ્પિટલ, ઈન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેક, એલટીઆઈ માઈન્ડટ્રી, સિપ્લા, યુપીએલ, બજાજ ફાઈનાન્સ, વિપ્રોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટરલ પર્ફોર્મન્સિઝની વાત કરીએ તો પીએસઈ, એનર્જી, મેટલ, ઓટોમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે આઈટી, રિઅલ્ટીમાં નરમાઈ જળવાય હતી. નિફ્ટી પીએસઈ એક ટકાથી વધુ મજબૂતી સાથે બંધ જોવા મળ્યો હતો. જેના ઘટકોમાં એનએમડીસી, ગેઈલ, નાલ્કો, બીપીસીએલ, કોલ ઈન્ડિયા, એચપીસીએલ, એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, સેઈલ, આઈઓસી અને ઓએનજીસીનો સમાવેશ થાય છે. નિફ્ટી મીડિયા ઈન્ડેક્સ ત્રણ ટકા ઊછળ્યો હતો. જેના ઘટકોમાં નેટવર્ક ૧૮ ૧૨ ટકા ઊછળ્યો હતો.
આ ઉપરાંત ટીવી૧૮ બ્રોડકાસ્ટ, પીવીઆર આઈનોક્સ, સન ટીવી, ડિશ ટીવી, ટીવી ટુડેમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. નિફ્ટી મેટલ પોણો ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં મોઈલ ૮ ટકા ઊછળ્યો હતો. આ ઉપરાંત એનએમડીસી, નાલ્કો, કોલ ઈન્ડિયા, સેઈલ, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ઓટો ૦.૮ ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં બોશ ૪ ટકા ઊછળ્યો હતો. આ ઉપરાંત ટીવીએસ મોટર, મારુતિ સુઝુકી, એમઆરએફ, બજાજ ઓટો, એમએન્ડએમ, તાતા મોટર્સ, ભારત ફોર્જ, આઈશર મોટર્સમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ નિફ્ટી આઈટી ૧.૭ ટકા ગગડ્યો હતો. જેના ઘટકોમાં ટેક મહિન્દ્રા ૨.૭ ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત ઇન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેક્નોલોજી, એલટીઆઈ માઈન્ડટ્રી, કોફોર્જ, વિપ્રોમાં ઘટાડો નોંધાયો હતો.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો એનએમડીસી ૬ ટકા સાથે સૌથી વધુ ઊછળ્યો હતો. આ ઉપરાંત, ગેઈલ, નાલ્કો, પીવીઆર આઈનોક્સ, આઈજીએલ, બોશ, મેટ્રોપોલિસ, ટીવીએસ મોટર, સન ટીવી નેટવર્ક, જેકે સિમેન્ટ, ચંબલ ફર્ટિલાઇઝર, જ્યુબિલીઅન્ટ ફૂડ, ડૉ. લાલ પેથલેબ્સ, ઇન્ટરગ્લોબ એવિએશન, બીપીસીએલમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, એમસીએક્સ ઈન્ડિયા, ગોદરેજ પ્રોપર્ટીઝ, ઓરેકલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ, એમએન્ડએમ ાઈનાન્સિયલ, ડેલ્ટા કોર્પ, સિપ્લા, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં એમએમટીસી, નેટવર્ક ૧૮, નિપ્પોન, મોતીલાલ ઓસ્વાલ, વિજયા ડાયગ્નોસ્ટિક્સ, એનએમડીસી, ગેઈલ, બોશ, ટીવીએસ મોટર, સુવેન ફાર્માનો સમાવેશ થતો હતો.
0 ટિપ્પણીઓ