દુનિયાના 7 રહસ્યમય દરવાજા, જેને આજે પણ કોઈ ખોલી શક્યું નથી!વિશ્વના એવા 7 દરવાજા જે આજે પણ કોઈ ખોલી શક્યું નથી!

 કહેવાય છે કે માણસની ઉત્સુકતા અને વિજ્ઞાનની અસીમ શક્તિ સામે કુદરત અને ઈતિહાસે હંમેશા માથું ઝુકાવ્યું છે. પરંતુ વિશ્વના નકશા પર કેટલાક એવા દરવાજા, ભોંયરાં અને તિજોરીઓ છે, જ્યાં આધુનિક ટેકનોલોજી અને વૈશ્વિક મહાસત્તાઓના પગ પણ થંભી જાય છે. આજે આપણે વિશ્વના સાત સૌથી રહસ્યમય અને અભેદ્ય બંધ દરવાજાઓ વિશે જાણીએ, જે આજે પણ આધુનિક વિજ્ઞાન માટે એક પડકાર બનીને ઊભા છે.



૧. પદ્મનાભસ્વામી મંદિરનું ‘વોલ્ટ બી’

કેરળમાં આવેલ શ્રી પદ્મનાભસ્વામી મંદિરના ગુપ્ત ભોંયરાઓમાંથી છ દરવાજા ખોલવામાં આવી ચૂક્યા છે, જેમાંથી અંદાજે એક લાખ કરોડ રૂપિયાથી વધુ મૂલ્યનો ખજાનો મળ્યો હતો. પરંતુ સાતમો દરવાજો, જેને ‘વોલ્ટ બી’ તરીકે ઓળખવામાં આવે છે, આજે પણ રહસ્યમય છે. લોકવાયકા મુજબ આ દરવાજા પર નાગોની આકૃતિઓ કંડારેલી છે અને તેમાં કોઈ તાળું કે ચાવી નથી. એવી માન્યતા છે કે આ દરવાજો વિશેષ મંત્રોચ્ચારથી જ ખોલી શકાય છે.


૨. ચીનના પ્રથમ સમ્રાટની કબર

ચીનના શીઆન પ્રાંતમાં આવેલ પ્રથમ સમ્રાટ ચિન શિ હુઆંગની કબર આધુનિક પુરાતત્વવિદો માટે સૌથી મોટાં રહસ્યોમાંની એક છે. સમ્રાટને અમર બનવાની ઘેલછા હતી. પ્રાચીન ચીની માન્યતાઓ મુજબ પારો અમરત્વ આપી શકે છે. ઐતિહાસિક દસ્તાવેજો અનુસાર કબરની આસપાસ પ્રવાહી પારાની કૃત્રિમ નદીઓ અને તળાવો બનાવવામાં આવ્યા હતા. આધુનિક પરીક્ષણોમાં પણ આસપાસની માટીમાં પારાનું પ્રમાણ અસામાન્ય રીતે વધુ જોવા મળ્યું છે.


૩. ગિઝાનો ગ્રેટ પિરામિડ

ઈજિપ્તના ગિઝાના ગ્રેટ પિરામિડમાં આવેલા ‘ક્વિન્સ ચેમ્બર’માંથી બે સાંકડી સુરંગો પસાર થાય છે. વૈજ્ઞાનિકોએ રોબોટિક કેમેરાની મદદથી અંદર તપાસ કરતાં થોડાક ફૂટના અંતરે વધુ એક પથ્થરનો દરવાજો શોધ્યો હતો, જેને આજે સુધી ખોલી શકાયો નથી.


૪. ગેટવે ઓફ ધ સન

બોલિવિયાના એન્ડીઝ પર્વતોમાં, સમુદ્ર સપાટીથી આશરે 13,000 ફૂટની ઊંચાઈએ આવેલ તિયાહુઆનાકો શહેર આજે પણ રહસ્યોથી ઘેરાયેલું છે. અહીં આવેલું ‘ગેટવે ઓફ ધ સન’ 10 ટન વજનના એક જ ગ્રેનાઈટ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે. તેના પર એક દેવતાની આકૃતિ અને 48 રહસ્યમય કોતરણી જોવા મળે છે. વૈજ્ઞાનિકો માટે આજે પણ એ પ્રશ્ન છે કે આધુનિક સાધનો વગર આટલું વિશાળ અને કલાત્મક નિર્માણ કેવી રીતે કરવામાં આવ્યું હશે.


૫. તેઓતિહુઆકાનની ગુપ્ત સુરંગ

મેક્સિકોના તેઓતિહુઆકાન શહેરમાં વર્ષ 2003 દરમિયાન પુરાતત્વવિદોને એક એવી ગુપ્ત સુરંગ મળી આવી, જે અંદાજે 1800 વર્ષથી સંપૂર્ણપણે સીલ હતી. આ શોધે પ્રાચીન સંસ્કૃતિઓ વિશે અનેક નવા પ્રશ્નો ઉભા કર્યા.


૬. તાજમહેલના બંધ ઓરડા

તાજમહેલના મુખ્ય મકબરાની નીચે અને યમુના નદી તરફના ભાગમાં કેટલાક એવા ઓરડા અને ભોંયરાં આવેલા છે, જે સામાન્ય જનતા માટે બંધ રાખવામાં આવ્યા છે. આ અંગે સોશિયલ મીડિયા અને ઈતિહાસકારોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ અને દાવાઓ થતા રહે છે.


૭. સ્વાલબાર્ડ ગ્લોબલ સીડ વોલ્ટ

નોર્વેના બર્ફીલા ટાપુ પર પર્વતની અંદર લગભગ 130 મીટર ઊંડે સ્થિત સ્વાલબાર્ડ ગ્લોબલ સીડ વોલ્ટ માનવજાતના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવ્યો છે. અહીં વિશ્વભરના અંદાજે 12 લાખથી વધુ પાકોના બિયારણોના નમૂનાઓ માઈનસ 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે. ભવિષ્યમાં કોઈ વૈશ્વિક આપત્તિ સર્જાય તો આ બિયારણો માનવજાતને ભૂખમરાથી બચાવવામાં મદદરૂપ થઈ શકે છે.

ટિપ્પણીઓ