મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન ડોલરનો ભાવ રૂ. 95ની સપાટી પાર કરતાં રૂપિયો નવા નીચા સ્તરે પહોંચી ગયો હતો. સવારે રૂ. 94.95 પર ખુલેલા ડોલરનો ભાવ દિવસ દરમિયાન નીચામાં રૂ. 94.82 અને ઉંચામાં રૂ. 95.23 સુધી પહોંચ્યો હતો, જ્યારે મોડી સાંજે તે રૂ. 95.08 આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. અગાઉ 30 એપ્રિલે ઇન્ટ્રા-ડેમાં રૂ. 95.33 સુધીનો ઉચ્ચ સ્તર નોંધાયો હતો.
વિશ્વ બજારમાં ક્રૂડ તેલના વધતા ભાવ અને ડોલરના મજબૂત વૈશ્વિક ઈન્ડેક્સને કારણે રૂપિયા પર દબાણ વધ્યું હોવાનું બજારના નિષ્ણાતો જણાવી રહ્યા છે. ડોલર ઈન્ડેક્સ આજે 97.97 થી 98.29 વચ્ચે રહી 98.24 પર સ્થિર રહ્યો હતો. ઉપરાંત, ભારતના ફોરેક્સ રિઝર્વમાં ગયા સપ્તાહે 4.82 અબજ ડોલરનો ઘટાડો નોંધાતા પણ રૂપિયામાં નકારાત્મક અસર જોવા મળી હતી.
બજારમાં ડોલર માટે ઈમ્પોર્ટરોની માંગ વધતા દબાણ વધુ ઊભું થયું હતું, જ્યારે માર્ચ અને એપ્રિલ દરમિયાન ડોલરનું આઉટફ્લો આશરે 19 અબજ ડોલર સુધી પહોંચ્યાના સંકેતો મળ્યા હતા. રિઝર્વ બેન્કના સૂત્રો અનુસાર દેશમાં ડોલરનો ઈન્ફ્લો વધારવા માટે વિવિધ પગલાં પર વિચારણા ચાલી રહી છે. આ વર્ષે અત્યાર સુધી રૂપિયો આશરે 5.50 ટકા નબળો પડ્યો છે.
અન્ય કરન્સીઓ સામે રૂપિયાની ચાલ મિશ્ર રહી હતી. બ્રિટિશ પાઉન્ડ સામે રૂપિયો 15 પૈસા મજબૂત થઈ રૂ. 128.84 થી રૂ. 128.89 વચ્ચે રહ્યો હતો, જ્યારે યુરો સામે રૂપિયા 40 પૈસા નબળો પડી રૂ. 111.46 સુધી પહોંચ્યો હતો. જાપાનીઝ યેન સામે રૂપિયા 0.23 ટકા મજબૂત થયો હતો, કારણ કે જાપાન સરકાર પોતાની કરન્સીને સપોર્ટ કરવા બજારમાં સક્રિય થઈ હોવાનું કહેવાય છે. ચીનની કરન્સી યુઆન પણ રૂપિયા સામે 0.09 ટકા મજબૂત રહી હતી.
આ સાથે જ, વિદેશી રોકાણકારોને ભારતના સરકારી બોન્ડમાં રોકાણ માટે આકર્ષવા 5 ટકા વેરા રાહત આપવાની ચર્ચા પણ ચાલી રહી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
ટિપ્પણીઓ