ઇઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર: સેન્સેક્સ અને નિફ્ટી વર્ષના અંતે નેગેટિવ રિટર્ન સાથે બંધ

 માર્ચ મહિનામાં ઇઝરાયેલ-ઈરાન યુદ્ધની અસરથી બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના અંતિમ ટ્રેડિંગ સેશનમાં મુખ્ય સૂચકાંકો બે ટકાથી વધુ ઘટીને બંધ રહ્યા. આખા વર્ષ દરમિયાન સેન્સેક્સમાં ૭.૦૧% અને નિફ્ટીમાં ૫.૦૩%નો ઘટાડો નોંધાયો.

પાછલા નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સેન્સેક્સે ૫.૧૦% અને નિફ્ટીએ ૫.૩૪%નું સકારાત્મક વળતર આપ્યું હતું. પરંતુ આ વર્ષે બંને સૂચકાંકો નેગેટિવ રહ્યા, જે કોવિડ-19 મહામારી પછી પ્રથમ વખત બન્યું છે. ૨૦૧૯-૨૦માં સેન્સેક્સ ૨૩.૮% અને નિફ્ટી ૨૯.૦૩% સુધી ઘટ્યા હતા.

જોકે, આ વર્ષે મિડકૅપ શેરોમાં થોડું સારું પ્રદર્શન જોવા મળ્યું. નિફ્ટી મિડકૅપ 100એ ૧.૮૯% વળતર આપ્યું, જ્યારે નિફ્ટી સ્મોલકૅપ 100 ૫.૫૪% ઘટ્યો. બજારમાં અસ્થિરતા વધતાં વોલેટિલિટી ઈન્ડેક્સમાં ૧૧૯%નો મોટો ઉછાળો નોંધાયો.

આ સમયગાળામાં બીએસઈનું કુલ માર્કેટ કેપ લગભગ રૂ. ૪૧૨.૪૧ લાખ કરોડ આસપાસ સ્થિર રહ્યું, માત્ર રૂ. ૪૯,૦૦૦ કરોડનો જ ઘટાડો નોંધાયો. નિષ્ણાતોના મત મુજબ, વર્ષ દરમિયાન નવા IPO આવવાથી લિસ્ટેડ કંપનીઓની સંખ્યા વધી અને મિડકૅપ શેરોમાં થયેલી મર્યાદિત તેજી આ સ્થિરતા માટે જવાબદાર રહી.


ટિપ્પણીઓ