નૈઋત્યનું ચોમાસુ ગુરુવારે મહારાષ્ટ્ર પહોંચતાં પાણીની અછત અને કારમી ગરમીનો સામનો કરી રહેલા કેટલાક વિસ્તારોને રાહત મળી હતી. હવામાન વિભાગના વિજ્ઞાની સુનીલ કાંબલેએ જણાવ્યું હતું, કે ચોમાસુ દક્ષિણ કોકણના સિંધુદુર્ગ જિલ્લા તેમજ પશ્ચિમ મહારાષ્ટ્રના સાંગલી અને કોલ્હાપુર સુધી પહોંચી ચૂક્યું છે. ૯ કે ૧૦ જૂનના રોજ ચોમાસુ મુંબઈ પહોંચી શકે છે. મહારાષ્ટ્રના કેટલાય વિસ્તારો હાલમાં પાણીની અછત તેમ જ ભારે ગરમીના સંકટનો સામનો કરી રહ્યા છે. ઉપલબ્ધ આંકડાકીય માહિતી મુજબ ગુરુવારે પણ ૩૪ જિલ્લાના ૧૧,૫૬૫ ગામ અને કસબાને સરકારે ટેન્કરના માધ્યમથી પાણી પુરવઠો પૂરો પાડયો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ નૈઋત્યનું ચોમાસુ કર્ણાટકના મોટાભાગના વિસ્તારો, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રના સાગર કાંઠા વિસ્તારો, બંગાળના ઉપસાગરના મોટા ભાગના વિસ્તારો સુધી પહોંચી ચૂકયું છે.


કયા રાજ્યમાં ક્યારથી ચોમાસા ની શરૂઆત થશે,

કેરળ પછી નૈઋત્યનું ચોમાસુ નિર્ધારિત રૂટ પર પ્રર્વોત્તર તરફ આગળ વધી રહ્યું છે. ૮ જૂન સુધીમાં ચોમાસુ દક્ષિણ અને પૂર્વોત્તર ભારતના લગભગ તમામ રાજ્યો સુધી પહોંચી જશે. તે પછી પશ્ચિમ બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ, દિલ્હી અને રાજસ્થાન તરફ આગળ વધશે. ચોમાસુ ૧૫ જૂન સુધીમાં મધ્યપ્રદેશ સુધી પહોંચી જશે. ૨૦ જૂન સુધી તો નૈઋત્યના પવનોની બીજી લહેર આવી જશે. સમગ્ર મહારાષ્ટ્રમાં ૧૦ જૂન સુધીમાં છત્તીસગઢમાં ૧૫ જૂન, બિહાર અને ઝારખંડમાં ૧૫થી ૧૮ જૂન, ઉત્તરપ્રદેશમાં ૨૦ જુન સુધીમાં ચોમાસુ બેસી શકે છે. છેલ્લે રાજસ્થાનમાં 30 જૂન સુધી ચોમાસુ પહોંચે તેવી સંભાવના છે. દિલ્હીમાં જૂનના અંત સુધીમાં ચોમાસુ પહોંચે તેવા સંકેત છે. સામાન્યપણે દિલ્હીમાં ૨૭ જૂન સુધીમાં ચોમાસુ બેસતું હોય છે.


• લૂનો પ્રકોપ ઘટી રહ્યો છે : વર્તમાનમાં કેટલીક શહેરોનું તાપમાન ૪૬ ડિગ્રી સુધી નોંધાયું છે. હરિયાણા,પંજાબ અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં તાપમાનનો પારો ૪૫થી ૪૬ ડિગ્રી રહે છે. મધ્યપ્રદેશના એક બે સ્થાને, વિદર્ભ અને છત્તીસગઢમાં પણ તાપમાનનો પારો ૪૫થી ૪૬ નોંધાયો છે. ઝારખંડના ડાલ્ટેગંજમાં તાપમાન ૪૬ ડિગ્રી નોંધાયું હતું. દેશમાં ચોમાસુ જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ લુનો પ્રકોપ ઘટી રહ્યો છે. આવનારા ત્રણ ચાર દિવસમાં ઝારખંડ અને બિહારમાં આંધી ફૂંકાવાની શક્યતા છે.