સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેરનો પ્રકોપ ચાલુ રહ્યો હતો. દિલ્હી-એનસીઆર, ઉત્તરપ્રદેશ સહિત ૫ રાજ્યોમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ઉત્તર ભારતનાં રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. ૧૭ રાજ્યોમાં ઠંડીએ હાહાકાર મચાવ્યો હતો. તાપમાનનો પારો ૩ ડિગ્રી કરતા વધુ ઘટી ગયો હતો. ગાઢ ધુમ્મસને કારણે ૯૦૦થી વધુ ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી. અનેક ટ્રેનો મોડી પડી હતી, કેટલીક ટ્રેનોનાં રૂટ બદલવામાં આવ્યા હતા. હજી ૪ દિવસ પાંચ રાજ્યો પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં ભીષણ ઠંડી અને ગાઢ ધુમ્મસની આગાહી સાથે જુદાજુદા વિસ્તારો માટે રેડ એલર્ટ, યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ છે.


તાપમાનનો પારો નીચે ગગડતા ઉત્તર ભારતનાં લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા. વાહન વ્યવહારને માઠી અસર થઈ હતી. પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. પંજાબનું નવાં શહેર રવિવારે શૂન્ય ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડું શહેર રહ્યું હતું. દિલ્હીમાં સોમવારની સવારે પારો ૩.૩ ડિગ્રી નોંધાતા મોસમની સૌથી ઠંડીમાં ઠંડી સવાર હતી. રાજસ્થાનનાં સીકરમાં હાઈવે પર ગાઢ ધુમ્મન્સને કારણે બે કાર અથડાતા ૬નાં મોત થયા હતા.


૯૦૦ ફ્લાઈટ્સ પ્રભાવિત અને અનેક ટ્રેનો રદ.


ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી સહિત ઉત્તરના રાજ્યોમાં ૯૦૦થી વધુ ફલાઈટ્સ પ્રભાવિત થઈ હતી. ૮૦ ફલાઈટ્સ રદ કરાઈ હતી. કેટલીક ફલાઈટ્સને અન્યત્ર ડાયવર્ટ કરાઈ હતી. ઉત્તર રેલવેની અનેક ટ્રેનો રદ કરાઈ હતી. દિલ્હી આવનારી ૨૨ ટ્રેન મોડી પડી હતી. દિલ્હીમાં ૧૬૮ ફલાઈટ્સ મોડી પડી હતી જ્યારે ૮૪ને રદ કરવામાં આવી હતી. ૧૦ને ડાયવર્ટ કરાઈ હતી.


કાશ્મીરમાં પારો માઈનસ ૪.૨ ડિગ્રી.


જમ્મુ કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં લઘુતમ તાપમાનનો પારો ગગડયો હતો. કાશ્મીરમાં પારો માઈનસ ૪.૨ ડિગ્રીએ પહોંચ્યો હતો જ્યારે જમ્મુમાં રવિવાર મોસમની સૌથી ઠંડી રાત રહી હતી. ગુલમર્ગમાં પારો માઈનસ ૨.૮ ડિગ્રી નોંધાયો હતો. હિમાચલમાં કુકુમસેરી ખાતે ઠંડી માઈનસ ૭.૨ ડિગ્રી રહી હતી. દિલ્હીમાં ૨ દિવસ માટે ઠંડી અને ધુમ્મસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. કાશ્મીરમાં ૩૧મી સુધી ચિલ્લા કલાનો કોપ જારી રહેશે તેથી ઠંડીમાં રાહત મળવાનાં કોઈ અણસાર નથી.