અમદાવાદ સહિત રાજ્યમાં લઘુતમ તાપમાન હજુ સામાન્ય કરતાં વધુ નોંધાઈ રહ્યું છે અને હજુ આગામી દિવસોમાં તાપમાનનો પારો ઊંચકાશે તેવા હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. આમ રાજ્યના નાગરિકોએ હજુ શિયાળાની કાતિલ ઠંડી માટે રાહ જોવી પડશે. હજુ આગામી ૧૦-૧૫ દિવસમાં શિયાળાની ઠંડીની જમાવાટ થવાની કોઈ જ શક્યતાઓ જણાતી નથી.


હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરાયેલી વિગતો મુજબ અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન ૧૮.૨ ડિગ્રી નોંધાયુ હતુ. જે સામાન્ય કરતાં ૩.૭ ડિગ્રી વધુ નોંધાયુ હતુ. આમ હાલની સ્થિતિએ તાપમાનનો પારો વધુ નોંધાતા આજે રાત્રે બફારો અને ઉકળાટ વર્તાયો હતો. વરસાદી માવઠાના કારણે હવે આગામી થોડા દિવસ દરમિયાન ઉકળાટ અને બફારાથી લોકો પરસેવે રેબઝેબ થઈ શકે છે. બીજી તરફ શહેરનું મહત્તમ તાપમાન ૨૬.૭ ડિગ્રી નોંધાયુ હતુ જે,

 સામાન્ય કરતાં ૪.૭ ડિગ્રી નીચું નોધાયુ હતુ. મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચુ રહેતા દિવસ દરમિયાન ઠંડીનો અહેસાસ થયો હતો. બીજી તરફ હવામાન ખાતા દ્વારા તાપમાનને લઈ આગાહી કરવામાં આવી છે કે, ૨૪ કલાક દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહી થાય, પરંતુ એ પછીને ૩-૪ દિવસ દરમિયાન ૨થી ૩ ડિગ્રી જેટલુ તાપમાન ધીમેધીમે વધી શકે છે.