મહાનગરોમાં એકમાત્ર બેંગલુરુ રિઅલ એસ્ટેટ રિટર્નમાં ત્રીજા ક્રમે  જાળવી રાખ્યો હતો,


     છેલ્લાં ૧૦-વર્ષોમાં દેશમાં રિઅલ એસ્ટેટ પ્રોપર્ટીમાં રિટર્નની બાબતમાં બીજી હરોળના શહેરો પ્રથમ ક્રમે જોવા મળી રહ્યાં છે. તેમણે રિઅલ્ટી રિટર્ન બાબતમાં મહાનગરોને પાછળ રાખી દીધાં છે. એકમાત્ર બેંગલૂરું રિઅલ્ટી રિટર્ન બાબતમાં ત્રીજા ક્રમ સાથે ટોચના ત્રણ શહેરોમાં સમાવેશ ધરાવે છે. જ્યારે મુંબઈ અને દિલ્હીનો સમાવેશ ટોચના પાંચમા પણ નથી જોવા મળતો.



રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના હાઉસ પ્રાઈસ ઈન્ડેક્ટ ડેટાનો અભ્યાસ કરીને  હાથ ધરવામાં આવેલા એક રિસર્ચ મુજબ ઘણા ખરા ટોચના રિઅલ્ટી બજારોએ બેંક ફિક્સ ડિપોઝીટ્સની સમકક્ષ રિટર્ન આપ્યું છે. જે ઘણી સારી બાબત છે. જોકે, આમાં ઘણા બજારોમાં કોવિડ પછી રિઅલ્ટીમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે અને તેથી સરેરાશ રિટર્ન પણ ઊંચું જોવા મળી રહ્યું છે. જેમકે ગયા વર્ષે દિલ્હીએ ૧૪.૮૪ ટકાનું ઊંચું રિટર્ન દર્શાવ્યું હતું તેણે છેલ્લાં ૧૦-વર્ષોમાં સરેરાશ ૫.૨૫ ટકાનું મંદ રિટર્ન નોંધાવ્યું હતું. અનેક ઉદ્યોગ વર્તુળોના મતે ભારતના મોટાભાગના બજારોમાં નેટ રેન્ટલ ચિલ્ડ્સ ૩ ટકા કે તેથી નીચી જોવા મળે છે. નેટ રેન્ટલ યિલ્ડ્સ એ મેન્ટેનન્સ ખર્ચ, ટેક્સિસ અને ઈન્ટરેસ્ટ પરની લોનને બાદ કરતાં મળતું વળતર સૂચવે છે. જે હાલના છેલ્લાં કેટલાંક સમયથી નેગેટિવ જોવા મળે છે. જેનું કારણ બેંક રેટ્સમાં વૃદ્ધિ અને પ્રોપર્ટીના ઊંચા ભાવ છે.



જો આરબીઆઈ ડેટાનો અભ્યાસ કરીએ તો ૧૦-વર્ષોમાં કોચીએ ૯.૯૪ ટકાનું સરેરાશ વાર્ષિક રિટર્ન દર્શાવ્યું છે. જે બેંક એફ્ટી કરતાં પણ નોંધપાત્ર ઊંચું છે. જ્યારપછીના ક્રમે લખનૌએ ૯.૧૧ ટકાનું રિટર્ન આપ્યું છે. જ્યારે બેંગલુરુએ ૮.૯૮ ટકાનું અને કાનપુરે ૭.૯૯ ટકાનું સારુ કહી શકાય તેવું સરેરાશ રિટર્ન દર્શાવ્યું છે. મહાનગરોમાં સમાવેશ પામતાં ચેન્નાઈએ ૭.૫૩ ટકા સાથે પાંચમા ક્રમે રિટર્ન નોંધાવ્યું છે. જ્યારે અમદાવાદે ૬.૭૫ ટકાનું મધ્યસરનું રિટર્ન આપ્યું છે. મુંબઈ પણ ૬.૭૧ ટકા સાથે અમદાવાદની સમકક્ષ રિટર્ન દર્શાવી રહ્યું છે. જ્યારે દિલ્હી, કોલકોત્તા અને જયપુર પાંચ ટકા કે તેથી નીચું રિટર્ન સૂચવી રહ્યાં છે.