પ્રામાણિકતા એ સત્યનું બીજું નામ છે, સત્ય એ પ્રામાણિકતાનો પર્યાય છે. આજની દુનિયામાં સૌથી ઓછી કોઈ વસ્તુ હોય તો તે છે પ્રામાણિકતા – સત્ય. જે સમગ્ર નૈતિકતાનો પાયો છે ! પણ અફસોસ સોનું, યુરેનિયમ, પ્લેટિનમ વગેરે જેવી અતિ કિંમતી ધાતુથી પણ શક્તિશાળી અને કિંમતી રેઅર અવેલેબલ એવા પ્રામાણિક અને સત્યનિષ્ઠ માણસો લગભગ છે જ નહીં.. !
સિદ્ધાંતો, પ્રામાણિકતા, સત્ય આ તમામ સફળતા માટેના બેઝિક મૂલ્યો છે, પણ આપણને ખબર હોતા છતાં આપણે એ રસ્તે જઈ શકતા નથી. ઇતિહાસમાં યુધિષ્ઠિર, રાજા હરિશ્ચંદ્રની વાતો આવે છે, એ માર્ગ ગાંધીજીએ પણ ચીંધ્યો. કેટલી તાકાત, કેટલી શક્તિ. પણ કદાચ આપણને આ બધું વાર્તામાં સારું લાગે એથી વિશેષ નહીં. જાણે - અજાણે અંધારા ભવિષ્ય તરફ આપણે અપ્રામાણિકતા અને અસત્યને આધારે નીકળી પડીએ છીએ. પહેલાં સતયુગ એટલે સત્યનો પ્રભાવ હતો, હાલ કળયુગ છે, એટલે કળાનો પ્રભાવ એમ માની જૂઠ પર જૂઠ બોલીએ છીએ, પણ સત્ય-સત્ત, ચિત્ત-આનંદ હંમેશ માટે છે.
આપણી પર્સનાલીટી ગમે તેવા કપડાં પહેરો, ગાડી રાખો, ઓફિસ, નોકરી... એનાથી નહીં પડે, કારણ આપણે ભીતરથી ખોટા છીએ. આ સત્ય એક જ ચીજ એવી છે જે તમામ લાંબાગાળાના સુખોનો પાયો છે, પણ આપણે સત્ય એ જ ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખી શકતા નથી. સહેજ દુ:ખ, તકલીફ આવે અને આપણે આપણી જાતથી માંડી આખી દુનિયા સાથે જૂઠ અને અપ્રામાણિકતાથી વર્તતા લેશમાત્ર પણ વિચાર કરતાં નથી. બસ એ સહજ-સરળ આદત જ પડી ગઈ છે. ડગલે ને પગલે આપણે જૂઠ ૫૨ જૂઠ બોલીએ છીએ. તમે સત્ય નથી બોલી શકતા અથવા સત્યનો સાથ નથી આપતા, તો તમે ઈશ્વરના ન્યાયને સાથ નથી આપતા, એમ માનવું. ઈશ્વર એ જ સત્ય ! સત્યમ્ - શિવમ્ - સુન્દરમ્ પણ કદાચ એ જ. આપણે ટૂંકા ગાળાના લાભ માટે લાંબા ગાળાનું નુકસાન જાણે - અજાણે કરીએ છીએ.
0 ટિપ્પણીઓ