ભારતમાં હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું  ચલણ ઝપાટાબંધ વધી રહ્યું છે.લોકો રોકડા રૂપિયાથી લેવડદેવડ કરવાને બદલે પ્લાસ્ટિક મની કે પછી મોબાઇલથી નાણાંકીય.   આપ - લે કરવાનું પસંદ કરી રહ્યાં છે. તેને કારણે લોકોને રોકડ સાચવવાની કે તે ચોરી થઇ જવાની ચિંતામાંથી મુક્તિ મળી ગઇ છે. વળી ડિજિટલ બેંકિંગના કારણે કાર્ડ કે મોબાઇલ, કમ્પ્યુટર કે લેપટોપથી પેમેન્ટ કરવું સાવ સહેલું થઇ ગયું છે.આમ છતાં ખાટલે મોટી ખોડ એ છે કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન દરમિયાન થયેલી નાની સરખી ભૂલ કે પ્લાસ્ટિ ક મનીના ઉપયોગ વખતની ગફલત જે તે વ્યક્તિને લાખોનો ચૂનો ચોપડી શકે છે.તેથી બેંકિંગના કામો દરમિયાન સલામતીના પગલાં લેવા અત્યાવશ્યક છે.નિષ્ણાતો તેના વિશે જાણકારી આપતાં કહે છે ..... 
      @સૌથી પહેલા તો એન્ટિ વાયરસ સોફ્ટવેઅરનો ઉપયોગ કરો. કમ્પ્યુટરને ફિશિંગ , માલવેઅર કે અન્ય કોઇ જોખમથી બચાવવા હંમેશાં અસલી એન્ટિ વાયરસ સોફ્ટવેઅરનો ઉપયોગ કરો. એન્ટિ વાયરસ એ સ્પાયવેઅરને ઓળખવા અને દૂર કરવામાં મદદ કરે છે જે તમારી ગોપનીય સૂચનામાં ઘૂસી જઇ શકે છે. 

જાહેર વાઇ - ફાઇ નેટવર્કનો ઉપયોગ તમારા માટે મોટું જોખમ ઊભું કરી શકે છે. આ નેટવર્ક પર હેકર … તમારા બધા ડેટા પર આસાનીથી નજર રાખી શકે છે . અસલામત કનેક્શનને હેકર મોકા તરીકે જૂએ છે . તે બહુ સહેલાઇથી તમારી સિસ્ટમમાં માલવેઅર પહોંચાડી શકે છે . તેથી

@ જાહેર વાઇ–ફાઇનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ કે મોબાઇલ બેંકિંગ કરવાનું કે પછી ઇ - કોમર્સ સાઇટ પર ચૂકવણી કરવાનું ટાળો. 
 
જો તમે નિયમિત રીતે આ પ્રકારના નેટવર્કનો ઉપયોગ કરી રહ્યાં હો તો તમારા કમ્પ્યુટર કે મોબાઇલમાં વીપીએન સોફ્ટવેઅર સેટ કરો.

 તેને કારણે કમ્પ્યુટર અને ઇન્ટરનેટ કનેક્શન વચ્ચે એક સીક્યોરિટી સ્થાપિત કરવામાં મદદ મળશે અને હેકર તમારા ડેટાને આસાનીથી હેક નહીં કરી શકે . સ્માર્ટ ફોનનો ઉપયોગ કરનારાઓએ પોતાનો ફોન અત્યાધુનિક સિક્યોરિટી પેચ અને ઓપરેટિગ સિસ્ટમથી સજ્જ રાખવો જોઇએ. તેમણે ફોનમાંથી કોઇપણ સિક્યોરિટી કંટ્રોલને ખસેડવાની ભૂલ ન કરવી જોઇએ . આવી ભૂલને જેલ બ્રેકિંગ કે રુટિંગ કહેવામાં આવે છે. 

એપ ડાઉનલૉડ કરતી વખતે પણ હંમેશાં મર્યાદિત એક્સેસ આપો અને માત્ર જરૂરી એપ જ ડાઉનલૉડ કરો.

અકાઉન્ટને સલામત રાખવા અવારનવા પાસવર્ડ બદલતા રહેવું . આમ કરવાથી  અકાઉન્ટની ગોપનીયતા જળવાઇ રહે છે. તેવી જ રીતે તેના વિશેની કોઇપણ વિગત અન્ય કોઇને ન આપવી. 
 
 કોઇપણ બેંક ક્યારેય ઇ મેલ કે ફોન કરીને ગ્રાહક પાસેથી તેની વિગતો નથી માગતી.

પાસવર્ડ ભૂલી ન જવાય એટલા માટે જો તમે તે ક્યાંક લખી રાખતા હો તો તે અન્ય કોઇના હાથમાં ન આવે એ રીતે તેની જાળવણી કરો. 
 
શક્ય હોય ત્યાં સુધી – ગૂંચવાડાભર્યું પાસવર્ડ રાખો જેથી બીજું કોઇ તે ક્રેક ન કરી શકે . 

 તેવી જ રીતે ઇન્ટરનેટ બેંકિંગના અલગ અલગ તબક્કા માટે જુદાં જુદાં લૉગ ઇન અને ટ્રાન્જેક્શન પાસવર્ડ રાખો.

જો તમે બેંક ટ્રાન્જેક્શન માટે મોબાઇલ નોટિફિકેશનની સુવિધા નથી લીધી તો તે તરત જ લઇ લો. આમ કરવાથી તમને તમારા અકાઉન્ટ પર નજર રાખવામાં મદદ મળશે . માત્ર ટ્રાન્જેક્શન પર જ નહીં, બેંક તમને લોગ ઇન માં ફેલ જવા વિશે પણ સૂચના આપશે. પરિણામે શંકાસ્પદ સંજોગોમાં તમે તમારો પાસવર્ડ બદલી શકશો.
 
નેટ બેંકિંગ માટે માત્ર બેંકની વેબસાઇટ પર જઇને જ લૉગ ઇન કરવું. થર્ડ પાર્ટી વેબસાઇટ કે પ્રમોશનલ મેલ પરથી નેટ બેંકિંગ કરવું જોખમી બની જશે.

 બેંક ક્યારેય ગ્રાહક પાસેથી લૉગ ઇન, ટ્રાન્જેક્શન પાસવર્ડ કે પીન નંબર નથી માગતી. તેથી જો તમે કોઇ પ્રમોશનલ મેલના માધ્યમથી નેટ બેંકિંગ માટે બેંકની ફ્રોડ વેબસાઇટ પર જશો તો તમારી બધી જરૂરી સૂચનાઓ ચોરાઇ જશે.

જો તમને કોઇ ઇ–મેલ કરીને લૉગ ઇનની વિગતો માગે તોય તેનો જવાબ ન આપો.તે ફ્રોડ હોઇ શકે છે. જો તમે સાઇબર કાફે કે જાહેર કમ્પ્યુટરનો ઉપયોગ કરી રહ્યાં હો, કહેવાનો અર્થ એ છે કે જો તમે એવા કમ્પ્યુટરનો ઉપયોગ કરી રહ્યાં હો જેનો ઉપયોગ તમારા પછી અન્ય કોઇ અજાણી વ્યક્તિ કરવાની હોય તો તેમાંથી નેટ બેંકિંગ ન કરવું. તેમાંથી તમારી બેંકિંગની વિગતો ચોરી થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. જો નાછૂટકે આવું કરવાની નોબત આવે તો બ્રાઉઝિંગ હિસ્ટ્રી અને કેશ વિષયક વિગતો ડિલિટ થઇ છે કે નહીં તેની ખાતરી કરી લો. તેની સાથે જ કમ્પ્યુટરમાંથી બધી ટેમ્પરરી ફાઇલ ડિલિટ કરી નાખો. બ્રાઉઝર પર ક્યારેય તમારી લૉગઇન આઇડી અને પાસવર્ડ સેવ કરવાના ઓપ્શન પર ક્લિક ન કરો . મોટાભાગની બધી બેંક પોતાની સલામત બેકિંગ વેબસાઇટ પર લાસ્ટ લૉગઇનની તારીખ દર્શાવે છે. જો તમને કોઇ એવી એક્ટિવિટી દેખાય જે તમે ન કરી હોય તો બેંકને તુરંત તેના વિશે જાણ કરો. સાથે તમારો પાસવર્ડ પણ બદલી નાખો.

 નિષ્ણાતો મોબાઇલ બેંકિંગ અને એટીએમનો ઉપયોગ કરતી વખતે કઇ સતર્કતા રાખવી તેની જાણકારી આપતાં કહે છે કે 
       મોબાઇલ બેંકિંગ માટે ભરોસાપાત્ર એપ સ્ટોર પરથી માત્ર બેંકની અધિકૃત એપ જ ડાઉનલૉડ કરવી.એગ્રીગેટર એપનો ઉપયોગ કરવાનું ટાળવું . આવી એપ તમને એકસાથે ઘણી બેંકની સેવાઓ આપવાની લાલચ આપે છે. પરંતુ તેમાં માલવેઅર કે વાયરસ હોઇ શકે છે.તેઓ વધુમાં કહે છે કે છેતરપિંડી કરનારાઓ એટીએમ મશીનમાં કાર્ડ રીડર ઉપર એક ડિવાઇસ લગાવી દે છે. વાસ્તવમાં તે એટીએમના જ કોઇક ભાગ જેવું હોવાથી એટીએમનો ઉપયોગ કરનારાને આ છેતરપિંડીનો ખ્યાલ નથી આવતો. પરંતુ તેની મદદથી ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડની બધી વિગતો ચોરી લેવામાં આવે છે. ત્યાર બાદ છેતરપિંડી કરનાર વ્યક્તિ અન્ય બેંકના કાર્ડમાં આ વિગતો કોપી કરીને તેની મદદથી ખરીદી કે પછી ચૂકવણી કરે છે.તેવી જ રીતે શંકાસ્પદ મશીન પર પણ કાર્ડ સ્વાઇપ ન કરો.